સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક દિવ્યાંગ અને શારીરિક રીતે નબળા બાળકો માટે ડીઇઆઇસી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. જે હાલ પણ કાર્યરત છે. આ કેન્દ્રમાં ખાસ કરીને સાઉથ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી પણ માનસિક વિકલાંગ બાળકો સારવાર માટે આવતા હોય છે. આવા બાળકોમાં માનસિક રીતે બદલાવ આવે અને સેન્સર ડેવલપમેન્ટ થાય તે માટે પ્રથમ વખત એક કુત્રિમ ગાર્ડન બનાવવામાં આવ્યો છે.
સુરત ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન અલગ અલગ રોગોના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. એમાં પણ નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2018માં માનસિક અને શારીરિક વિકલાંગતા સાથે જન્મ લેતા બાળકો માટે ડીઈઆઇસી થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. 2018 થી શરૂ કરવામાં આવેલા આ સેન્ટરમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ બાળકોએ સારવાર લીધી છે. અને તેમાંથી ઘણા બાળકો સ્વસ્થ થયા છે.
આ અંગે સેન્ટરનાં ડો.સંદેશ મહિપાલે જણાવ્યું હતું કે આ સેન્ટર 2018માં શરૂ થયું હતું. આ સેન્ટરમાં એવા બાળકો આવે છે જે માનસિક રીતે વિકલાંગ હોય છે. તો કોઈ બાળકો શારીરિક રીતે ચાલી નથી શકતા એવા બાળકોને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આવા બાળકો માટે પ્રથમ વખત આ સેન્ટરમાં કૃત્રિમ ગાર્ડન બનાવાયુ છે.
સ્થળે ખાતે ઉપસ્થિત ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આ સેન્ટરમાં પ્રતિદિન 45થી 50 બાળકો આવે છે. ઘણા બાળકો અહીં સાજા થઈને જાય છે. ઘણા માતા પિતા તો આશા પણ છોડી દેતા હોય છે. એવા બાળકો પણ સારા થઈ જાય છે. હાલમાં જ એક માતાપિતા પોતાના બાળકને લઈને છેલ્લા 4 વર્ષથી આવતા હતા. તેઓએ આશા પણ છોડી દીધી હતી. પરંતુ અમે તેની સારવાર અને થેરાપી ચાલુ રાખી હતી અને આજે તે બાળક સ્વાસ્થ્ય થયા છે.
ડો.રિદ્ધિએ જણાવ્યું હતું કે, બાળકોને અમે જ્યારે હીંચકો ખવડાવીએ ત્યારે તેઓના કાનમાં એક ફ્લડ વહેતું હોય છે. એક પાણી જેવું પ્રવાહી જે દરેકના કાનમાં હોય છે. હીંચકા ખાતી વખતે તેઓનું માઈન્ડ એ રીતે સ્વિંગ થાય છે. અને તેઓનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. બીજો ઉદ્દેશ્યએ છે કે આવા બાળકો પબ્લિક ગાર્ડનમાં નથી જઈ શકતા. નોર્મલ બાળકો સાથે નથી રમી શકતા. માતા પિતા પણ તેઓને ગાર્ડનમાં લઇ જતા ગભરાય છે. આ માટે જ આ કૃત્રિમ ગાર્ડન બનાવ્યો છે. આ પ્રથમ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે.