વિશ્વમાં જે ઝડપે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)નો વ્યાપ જે ઝડપે વધી રહ્યો છે તે જોતા અનેક નોકરીઓ જોખમમાં મુકાઈ છે. તેનું કારણ એ છે કે હવે મોટા ભાગના કામોમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. અનેક કાર્યો તો એવા છે જે સંપૂર્ણપણે એઆઈને સોંપી દેવામાં આવ્યા છે. તાજતેરમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સેશના એક રિપોર્ટમાં જણાવાયું છે કે એઆઈને કારણે વિશ્વમાં લગભગ ૩૦ કરોડ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે. આ સંખ્યા યુરોપ અને અમેરિકામાં કામ કરતા નાગરિકોની કુલ સંખ્યાના ૨૫ ટકા છે.
ગોલ્ડમૅન સૅશનું સીમાચિહ્ન વિશ્લેષણ વૈશ્વિક રોજગાર બજાર અને અર્થતંત્ર પર આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના પ્રભાવને દર્શાવે છે. રિપોર્ટ અનુસાર એઆઈમાં ૩૦ કરોડ ફુલટાઈમ નોકરીઓ આંચકી લેવાની ક્ષમતા છે. જો કે રિપોર્ટમાં એવું પણ દર્શાવાયું છે કે એઆઈ નવી તકો પણ ઓફર કરે છે અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
અહેવાલ જનરેટિવ એઆઈના ઉદભવને પ્રકાશિત કરે છે, જે માનવથી શક્ય ન હોય તેવા કાર્યો કરી શકે છે. યુકેમાં સરકાર ઉત્પાદકતા વધારવા એઆઈમાં રોકાણને પ્રોત્સાહન આપવા સક્રિય ફાળો આપે છે અને જાહેર જનતાને ખાતરી આપે છે કે એઆઈ તેમને કાર્યમાં સહાય કરશે, તેમની નોકરી આંચકી નહિ લે.
એઆઈની અસર વિવિધ ઉદ્યોગો પર અલગ અલગ રહેશે.
પ્રશાસકીય અને કાનૂની વ્યવસાયના કાર્યો અનુક્રમે ૪૬ ટકા અને ૪૪ ટકા ઓટોમેટેડ થઈ જશે. જો કે માત્ર ૬ ટકા બાંધકામ કાર્યો અને ૪ ટકા જાળવણી કાર્યોને તેનાથી અસર થવાનું અનુમાન છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ફ્યુચર ઓફ વર્ક પ્રોગ્રામના ડાયરેક્ટરે અગાઉ શ્રમની ગતિશીલતા બદલનારી ટેકનોલોજીના વિકાસ સાથે સમાનતા જણાવતા ચેતવણી આપી કે એઆઈને કારણે વેતનના ધોરણ કથળી શકે છે. તેમણે જીપીએસ ટેકનોલોજીનો દાખલો આપ્યો હતો જેના કારણે ડ્રાઈવરોની સંખ્યા ઘટયા વિના તેમના વેતનમાં ઘટાડા થયા હતા.
એક તરફ એઆઈનો ઉદ્ભવ વૈશ્વિક વર્કફોર્સમાં ક્રાંતિ લાવવા અને ઉત્પાદકતા વધારવા તૈયાર છે ત્યારે તેનાથી નોકરીઓ જવાની ચિંતા પણ છે. રિપોર્ટમાં નવી તકો અને ઉત્પાદકતા વધવા સાથે જીવનધોરણમાં સુધારો થવાનો સંકેત પણ છે.
રિપોર્ટમાં એઆઈના લાંબા ગાળાની અસર વિશે ચિંતા વ્યક્ત કરાઈ છે. ઐતિહાસીક ડાટા સૂચવે છે કે ટેકનોલોજીમાં ફેરફારને કારણે નવા રોજગાર જે ઝડપે સર્જાયા છે તેનાથી વધુ ઝડપે ઓછા થયા છે. આથી એઆઈને કારણે રોજગારનું ભાવિ અનિશ્ચિત છે. આથી જ નિષ્ણાંતો એઆઈના અમલીકરણ બાબતે સાવધાની વર્તવાની સલાહ આપી રહ્યા છે.