ટામેટાંએ હાલમાં મોટાભાગના લોકોના ભોજનનો સ્વાદ બગાડ્યો છે. તેને લીધે તો લોકોના રસોડાના બજેટ પર પણ માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે લોકોને આગામી સમયમાં રાહત મળવાના પણ કોઈ સંકેત દેખાઈ રહ્યા છે. લોકો માટે ચિંતાજનક અહેવાલ એ આવ્યા છે કે ટામેટાંના ભાવમાં તેજીનો માહોલ યથાવત્ રહી શકે છે.
જથ્થાબંધ વેપારીઓએ વ્યક્ત કરી આશંકા
ટામેટાંના જથ્થાબંધ વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં ટામેટાંના ભાવ 300 રૂપિયા કિલોને આંબી જશે. તેની પાછળનું કારણ ટામેટાંની આવક ઘટવાનું જણાવાયું છે. તેમનું કહેવું છે કે તેની અસર રિટેલ ભાવમાં વધારા તરીકે જોવા મળી શકે છે.
આ કારણે આવક ઘટી
આ મામલે દિલ્હી સ્થિત આઝાદપુર ટામેટાં એસોસિએશનના અધ્યક્ષ અને એપીએમસીના સભ્ય અશોક કૌશિકે જણાવ્યું હતું કે ગત ત્રણ દિવસથી ટામેટાંની આવક ઘટી ગઈ છે કેમ કે ભારે વરસાદને લીધે ઉત્પાદક ક્ષેત્રોમાં પાક બગડ્યો છે. તેમણે કહ્યું કે જથ્થાબંધ માર્કેટમાં હાલમાં ટામેટાંનો ભાવ 160 રૂપિયા પ્રતિકિલોગ્રામથી વધીને 220 રૂપિયા પ્રતિકિલોગ્રામ થઈ ગયો છે.