એશિયા કપ 2023ને લઈને સતત ચર્ચા ચાલી રહી હતી કે તેના શેડ્યૂલની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાન તરફથી સતત ચર્ચા થઈ રહી હતી કે PCBના અધ્યક્ષ બદલાયા હોવાથી ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવું જોઈએ, પરંતુ પૂર્વ અધ્યક્ષ નજમ સેઠી દ્વારા પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સંપૂર્ણ શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા BCCIના અધિકારી અરુણ ધૂમલે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ સ્ટેજની મેચ ક્યાં રમાશે. તેમણે એ પણ કહ્યું છે કે ટૂર્નામેન્ટની માત્ર ચાર મેચો જ પાકિસ્તાનમાં રમાશે.
પાકિસ્તાન નહી જાય ભારતીય ક્રિકેટ ટીમ
IPLના વર્તમાન અધ્યક્ષ અરુણ ધૂમલે એ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાન એ વાત પર અડગ છે કે ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન આવે અને ત્યાર બાદ જ પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારત આવશે. ધૂમલે જણાવ્યું હતું કે ભારતની એશિયા કપની મેચ શ્રીલંકામાં જ યોજાશે. ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. BCCIના સેક્રેટરી જય શાહ અને PCBના નવા પ્રમુખ ઝકા અશરફ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
એશિયા કપ 2023નું શેડ્યુલ ફાઈનલ થઇ ગયું છે-અરુણ ધૂમલ
ધૂમલે કહ્યું હતું કે, “BCCIના સેક્રેટરી જય શાહ PCB પ્રમુખ ઝકા અશરફને મળ્યા હતા અને એશિયા કપનું શેડ્યૂલ ફાઈનલ થઈ ગયું છે.” પાકિસ્તાનમાં લીગ સ્ટેજની ચાર મેચો રમાશે, ત્યારબાદ શ્રીલંકામાં 9 મેચ રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાનની બંને મેચનો સમાવેશ થશે અને જો બંને ટીમો ફાઈનલ રમશે તો ત્રીજી મેચ પણ ત્યાં જ રમાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભારત પાકિસ્તાનની મુલાકાત લેશે કે અમારા સચિવ ત્યાં જશે એવી કોઈ ચર્ચા નથી થઈ. માત્ર શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે.”
માત્ર એક મેચ પાકિસ્તાન પોતાના દેશમાં રમશે
અહેવાલોમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2010ની આવૃત્તિની જેમ જ ભારત શ્રીલંકાના દામ્બુલામાં પાકિસ્તાન સામે રમશે તેવી પૂરી સંભાવના છે. પાકિસ્તાનની એકમાત્ર મેચ નેપાળ સામે પાકિસ્તાનમાં થશે. અન્ય ત્રણ મેચો અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ, બાંગ્લાદેશ-શ્રીલંકા અને શ્રીલંકા-અફઘાનિસ્તાનની છે. વર્ષ 2016 પછી ઉપખંડમાં આયોજિત થનારો આ પહેલો એશિયા કપ છે, જ્યારે બાંગ્લાદેશે છેલ્લે ખંડીય ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. આ પછી UAEએ વર્ષ 2018 અને 2022 એમ બંને આવૃત્તિઓ હોસ્ટ કરી હતી.