વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બાનેસ સાથે મુલાકાત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર થઇ રહેલા હુમલાનો મુદ્દો મોદીએ આ બેઠક દરમિયાન ઉઠાવ્યો હતો. ખાલિસ્તાનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલા વધી ગયા છે. જે મામલો આ બેઠકમાં પણ ચર્ચાયો હતો. સાથે જ બન્ને દેશો વચ્ચે માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ કરારો થયા હતા.
આ કરારો બાદ હવે બન્ને દેશોના વિદ્યાર્થીઓ માટે ભારત અને ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ મેળવવું વધુ સરળ બની શકે છે. સાથે જ વેપારીઓ, બિઝનેસ સાથે સંકળાયેલા લોકો, શૈક્ષણિક સંશોધકો વગેરેને પણ ફાયદો થશે. જ્યારે ગેરકાયદે માઇગ્રેશન (સ્થળાંતર)ને રોકવા માટે પણ આકરા પગલા લેવામાં આવશે.
મિનરલ અને રિન્યૂએબલ એનર્જી અંગે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયામાં બુધવારે ત્રીજો દિવસ હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુ મંદિરો પર હુમલાનો મામલો ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને મે ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલાનો મુદ્દો સંયુક્ત રીતે ઉઠાવ્યો હતો. આજે પણ આ મુદ્દે અમે ચર્ચા કરી છે.
મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધો પર અસર કરનારા તત્વોને બક્ષ્વામાં નહીં આવે. હું ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરુ છું કે તેમણે ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર થતા હુમલાને રોકવા માટે પગલા લીધા છે. તેઓએ ફરી જો કોઇ હુમલો થાય તો આકરા પગલા લેવાની ખાતરી આપી છે. મોદીએ ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધોને વ્યક્ત કરવા માટે ક્રિકેટમાં પ્રખ્યાત ટી-૨૦નો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધ ટી-૨૦ મોડમાં પ્રવેશ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારત આવ્યા તેના બે જ મહિનામાં હું ઓસ્ટ્રેલિયા આવ્યો છું.
મોદીએ કહ્યું હતું કે અમારી આ એક વર્ષમાં છઠ્ઠી મુલાકાત છે. જે દર્શાવે છે કે બન્ને દેશો વચ્ચે કેટલા મિત્રતાભર્યા સંબંધો છે. ક્રિકેટની ભાષામાં વાત કરુ તો બન્ને દેશોનો સંબંધ ટી-૨૦માં પ્રવેશ્યો છે. તેમણે ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાની કંપનીઓ અને વેપાર સાથે સંકળાયેલી લોકોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની કંપનીઓના સીઇઓએ ભારતની કંપનીઓના સીઇઓ સાથે પાર્ટનરશિપ કરવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ પૂર્ણ થયો હતો અને તેઓ ભારત આવવા માટે રવાના થયા હતા.