પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરવાડી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર , ભાવનગર દ્વારા શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બી.એન. વિરાણી સ્કૂલ ખાતે શ્રીમદ શંકરાચાર્યજી વિરચિતમ્ ભક્તિ પ્રેરક ગ્રંથ ભજગોવિંદમ્ પર ચતુર્દિવસિય પારાયણનું આયોજન થયેલ છે. જેમાં બી. એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન, સંગીતજ્ઞ સંત પૂ. કૃષ્ણપ્રિય સ્વામી સુમધુર કંઠે ભક્તિ પદોના ગાન સાથે જ્ઞાનમય પારાયણનું રસપાન કરાવી રહ્યા છે .
પારાયણના તૃતીય દિવસે સંત પૂ. કૃષ્ણપ્રિય સ્વામીએ જણાવ્યું કે શ્રીમદ શંકરાચાર્યજીએ માત્ર ૮ વર્ષની વયે વેદોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ૧૬ વર્ષની વયે શંકર ભાષ્યની રચના કરી હતી. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને ટકાવી રાખવા ૩૨ વર્ષની વય સુધીમાં ૪ વખત સમગ્ર ભારતની યાત્રા કરી હતી અને ચારેય દિશાઓમાં ચાર પીઠની સ્થાપના કરી હતી.
ભજ ગોવિંદમ્ ગ્રંથ સમજાવે છે કે સરતી ઇતિ સંસાર. સંસાર સરતો જ રહેવાનો. જીવન પણ પસાર થઈ જવાનું. આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. માટે વ્યવહારની સાથે સાથે ભગવાનને કેન્દ્રમાં રાખવા અને ભગવાન ભજી લઈ જીવનને સાર્થક કરવું. ભગવાન ભજવા આપણી ફરજ છે. કારણકે ભગવાનના આપણી ઉપર અનંત ઉપકારો છે. હવા, પાણી, ખોરાક, પ્રકાશ વગેરે ભગવાને આપણને આપ્યા છે.
વળી ભગવાનની ભક્તિથી સફળતામાં અહંકાર નથી આવતો અને નિષ્ફળતામાં નિરાશા નથી આવતી. નાનપણથી જ ભગવાનના ભજનની ટેવ પાડવી. આ માર્ગે ચાલવા માટે ભગવાન તો મદદ કરવા તૈયાર છે, પણ આપણે એકાદ ડગલું ભરી આરંભ તો કરવો જ પડે.
પૂ. કૃષ્ણપ્રિય સ્વામીએ જણાવ્યું કે કથા પારાયણમાં બેસીએ છીએ, પણ કથા પારાયણ આપણા જીવનમાં અને અંતરમાં ઉતરે એ મહત્વનું છે. પ્રમુખસ્વામી મહારાજે પારિવારિક શાંતિનો એક આગવો વિચાર આપ્યો છે. એ છે ” ઘરસભા “. જેમાં ઘરના બધા જ સભ્યો દિવસમાં કોઈ ચોક્કસ સમયે ભેગા બેસી સારા શાસ્ત્રોનું વાંચન કરે. મહાન ભક્તોના જીવન ચરિત્રોનું વાંચન કરે. બાળકોના અભ્યાસની ચર્ચા કરે. દિવસ દરમ્યાન થયેલા સારા અનુભવોની વાતો કરે તો પરિવારમાં સંસ્કારો જળવાઈ રહેશે.