18 ડિસેમ્બરે બાંગ્લાદેશી કટ્ટરપંથી શરીફ ઉસ્માન હાદીની મોત બાદ દેશમાં વ્યાપક હિંદુવિરોધી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનાક્રમ દરમિયાન મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની અત્યંત ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટનાના 20 દિવસ બાદ બાંગ્લાદેશ પોલીસ હત્યાના મુખ્ય આરોપી સુધી પહોંચવામાં સફળ રહી છે. અહેવાલ મુજબ, 8 જાન્યુઆરી 2026ના રોજ પોલીસે મુખ્ય આરોપી યાસીન અરાફાતની ધરપકડ કરી છે. યાસીન એક પૂર્વ મદરેસા શિક્ષક અને મસ્જિદમાં ઇમામ તરીકે કામ કરતો હતો અને તેને ઢાકાના સરુલિયા વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યાસીને આ હત્યાનું આયોજન કર્યું હતું અને પોતાના ધાર્મિક હોદ્દાનો દુરુપયોગ કરીને ઇસ્લામી કટ્ટરપંથી ભીડને ઉશ્કેરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે જાતે દીપુને ખેંચીને ચોકમાં લાવ્યો હતો અને તેને લટકાવીને આગ ચાંપવાની ઘટનામાં સીધી સંડોવણી રાખી હતી. હત્યા બાદ યાસીન ફરાર થઈ ગયો હતો અને ઢાકાની વિવિધ મદરેસાઓમાં છુપાતો ફરતો હતો, જ્યાં તેણે ખોટી ઓળખ સાથે નોકરી પણ મેળવી લીધી હતી. આ ધરપકડ સાથે કેસમાં અત્યાર સુધી કુલ 11 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તપાસમાં સામે આવ્યું છે કે યાસીનના કેટલાક સહકર્મીઓ પણ આ હત્યામાં સામેલ હતા.
સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો, 12 ડિસેમ્બરે ઉસ્માન શરીફ હાદીને ગોળી મારવામાં આવી હતી અને 18 ડિસેમ્બરે સારવાર દરમિયાન તેનું મોત થયું. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંદુઓને નિશાન બનાવીને હિંસા શરૂ થઈ ગઈ. 18 ડિસેમ્બરની રાત્રે જ દીપુ દાસ જે ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાંથી તેને રાજીનામું અપાવવામાં આવ્યું અને બાદમાં તેને કટ્ટરપંથી ટોળાને સોંપી દેવામાં આવ્યો. ટોળાએ દીપુ પર ઈશનિંદાનો ખોટો આરોપ લગાવીને તેની સાથે અમાનવીય મારપીટ કરી, હત્યા કરી અને મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી. બાદમાં તપાસમાં સ્પષ્ટ થયું કે દીપુ પર ઈશનિંદાનો કોઈ આરોપ સાબિત થયો નહોતો.
ચિંતાજનક રીતે, માત્ર ડિસેમ્બર 2025માં જ દીપુ ચંદ્ર દાસ સહિત 8થી વધુ હિંદુઓની હત્યા થઈ છે, જેમાં અમૃત મંડલ, ખોકન ચંદ્ર દાસ અને બજેન્દ્ર બિસ્વાસ જેવા નામો સામેલ છે. આ ઘટનાઓમાં મોબ લિંચિંગ, આગ ચાંપવી અને ધાર્મિક આરોપોના દુરુપયોગ જેવી રીતો સામાન્ય બની રહી છે. વધતી જતી આ હિંસા બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે અને દેશને એક ખતરનાક દિશામાં ધકેલી રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel