ભારતના દુબઈ ખાતેના કોન્સલ જનરલ ઉપરાંત યુએઈના નેતાઓ, ધાર્મિક વડાઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ, મહાનુભાવો અને વિવિધ પ્રોફેશનલ્સ સહિત 250 જેટલાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
અબુ ધાબી ખાતે નિર્મિત બી એ પી એસ હિન્દુ મંદિરમાં, આ અભૂતપૂર્વ મંદિરની ઐતિહાસિક નિર્માણ ગાથાને રોમાંચક રીતે પ્રસ્તુત કરતા ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ નો ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો હતો.
અબુધાબીના શાસકોની ઉદારતા અને બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોની નિષ્ઠા અને ભક્તિસભર પુરુષાર્થ દ્વારા નિર્મિત આ મંદિરના આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદઘાટન બાદ પ્રથમ ૧૦૦ દિવસોમાં દસ લાખ કરતાં વધુ મુલાકાતીઓ દર્શને આવી ચૂક્યા છે. મંદિરના લોકાર્પણના પ્રથમ દિવસે જ આ મંદિરના દર્શનાર્થે ૬૫,૦૦૦ દર્શનાર્થીઓ, મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા, જે આ મંદિર માટેની લોકોમાં અપાર ઉત્કંઠા દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિના છેલ્લાં ૧૦,૦૦૦ વર્ષોના કળા, સ્થાપત્ય અને મૂલ્યોના અભૂતપૂર્વ સંગમ સમું આ મંદિર પરંપરાગત ભારતીય શિલ્પ કળા, અને આધુનિકતમ ટેકનોલોજીના સમન્વય દ્વારા સંવાદિતા, એકતા અને પર્યાવરણીય જાગૃતિનો સંદેશ આપે છે.
બી એ પી એસના સંતો અને સ્વયંસેવકોની સાથે પ્રોફેશનલ ઓડિયો વિઝ્યુઅલ એક્સપર્ટસના સહયોગથી આ ‘ ધ ફેરી ટેલ’ ઈમર્સિવ્ શૉ’ ના ક્રિએટિવ કોન્સેપ્ટ, સ્ક્રિપ્ટ, વિઝ્યુલાઇઝેશન અને એનિમેશનમાં ત્રણ મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો.
20 પ્રોજેક્ટર અને અદ્યતન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ દ્વારા સમગ્ર પ્રસ્તુતિ જીવંત થઈ ઊઠે છે. પ્રેક્ષકો જાણે મંદિર નિર્માણની ઐતિહાસિક સીમાચિહ્નસમી ઘટનાઓ જેવી કે ૧૯૯૭માં શારજાહના રણમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અબુધાબીમાં મંદિર નિર્માણ નો સંકલ્પ, ૨૦૧૮માં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાનના પ્રેસિડેન્શિયલ પેલેસમાં સંતોની મુલાકાત, ૨૦૨૪માં મહંત સ્વામી મહારાજ અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્ઘાટન – વગેરે પ્રસંગોની રોમાંચક અનુભૂતિ કરે છે.
વિષમ ખાણો, તોફાની સમુદ્રો, અને સૂક્ષ્મ કોતરણીના દ્રશ્યોમાંથી પસાર થતાં પ્રેક્ષકો ‘મિલેનિયમ મોન્યુમેન્ટ’ સમા આ અભૂતપૂર્વ મંદિરના નિર્માણમાં વિશ્વભરના હજારો સહભાગીઓના હૃદયપૂર્વકના સહિયારા પ્રયાસોના પ્રભાવની અનુભૂતિ પણ કરે છે.
અબુ ધાબીને સંવાદિતાના કેન્દ્ર તરીકે વધાવીને આ શૉ મંદિરના સહિષ્ણુતા અને વૈશ્વિક સંવાદિતાના સંદેશને ઉજાગર કરે છે, આ મંદિરને લગતી અત્યાર સુધી આશરે ૬૭ અબજ જેટલી સકારાત્મક ડિજિટલ ઇમ્પ્રેશન જનરેટ થઈ છે, જેના દ્વારા તે વિવિધ સંસ્કૃતિઓ, સમુદાયો અને ધર્મોને જોડતા સેતુરૂપ બની રહ્યું છે.
આ ઈમર્સિવ્ શૉના ઉદ્ઘાટન કાર્યક્રમ બી એ પી એસ હિન્દુ મંદિરના ‘ઓર્ચડ’ માં યોજવામાં આવ્યો હતો. આ મંદિરના મુખ્ય સંત અને તેના નિર્માણમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પાસાઓમાં માર્ગદર્શન આપનાર મુખ્ય કાર્યવાહક સંત તરીકે જેમણે સેવાઓ પ્રદાન કરી છે, તેવા પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું,
“આ ‘ ધ ફેરી ટેલ ‘ શૉના ઉદ્ઘાટન પ્રસંગે અમે ખૂબ ગૌરવ અને સન્માનની લાગણી અનુભવીએ છીએ, આ શૉ મંદિરની અકલ્પનીય યાત્રાને તો દર્શાવે જ છે, પરંતુ સાથે સાથે સૌના હૃદયનું પ્રતિબિંબ પણ છે. યુ એ ઈમાં જે પ્રેમ, સંવાદિતા અને સહકાર સાંપડ્યો છે તે વૈશ્વિક સંવાદિતા માટેના આધ્યાત્મિક સ્થાન એવા આ મંદિરના સર્જનમાં કારણભૂત છે. અહીં શરૂ થઈ રહેલો ઇમર્સિવ્ શૉ, અહીં આવનાર પ્રત્યેક મુલાકાતીને સંવાદિતાના પ્રતિનિધિ તરીકે વર્તવા પ્રેરિત કરશે, જેથી પોતાના સંકલ્પો, કાર્યો અને પરસ્પર આદાન પ્રદાન દ્વારા પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘર, કાર્યસ્થળ, અને સમાજને વધુ ને વધુ સંવાદિતાથી સભર બનાવી શકે.”
તેમણે ‘ 5P’ના મહત્વ વિશે જણાવતાં કહ્યું કે , પ્રથમ P, એટલે કે પોલિસી, એટલે કે જે તે રાષ્ટ્રની નીતિઓ, દ્વિતીય P એટલે કે પ્લેસ, એવા સ્થાન જે મનુષ્યનું ભાવિ ઘડે છે, તૃતીય P એટલે કે પીપલ, એવા મનુષ્યો જે તમારી ભાવનાઓને પ્રભાવિત કરે છે, ચતુર્થ P એટલે કે પ્રિન્સિપલ, એવા સિદ્ધાંતો જે તમારી માન્યતાઓને આકાર આપે છે, આ ચારેય અગત્યના છે, પરંતુ સૌથી વધારે અગત્યનું છે છેલ્લું P, એટલે કે પર્સપેક્ટિવ, અભિગમ.
આ મંદિરે તેના લાખો મુલાકાતીઓને એવા અભિગમની ભેટ આપી છે, જે પરસ્પર પ્રેમ, સંવાદિતા અને સહ અસ્તિત્વ યુક્ત વિશ્વમાં વિશ્વાસ ધરાવે છે.
યુએઈના નેતાઓ, ધાર્મિક વડાઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ, મહાનુભાવો અને વિવિધ પ્રોફેશનલ્સ એમ કુલ 250 જેટલાં આમંત્રિતોને સંબોધન કરતાં ભારતના દુબઈ ખાતેના કોન્સલ જનરલ શ્રી સતીશ કુમાર સિવાને જણાવ્યું,
“અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું સર્જન વાસ્તવમાં એક પરી કથા (ફેરી ટેલ) જેવું છે! આ ટેગ લાઈન મંદિરની ગાથાના સારને અભિવ્યક્ત કરે છે. આ અશક્ય છે, અકલ્પનીય છે, અને વાસ્તવમાં હોઇ શકે તેના કરતાં વધુ વાસ્તવિક છે! હું એવું દ્રઢ પણે માનું છું કે ભારત અને યુએઈ સમગ્ર માનવજાત માટે અનુકરણીય માર્ગ રચી શકે છે. આપણે શાંતિના સંદેશને પ્રસારિત કરવા માટે આપણી જાતને સમર્પિત કરીએ, કારણકે વિશ્વને આજે શાંતિના ઔષધની તાતી જરૂર છે. ”
કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેન એવા ડો. મુઘીર ખામિસ અલ ખાઈલીએ પૂ. બ્રહ્મવિહારી સ્વામી સાથે આ શૉને ખુલ્લો મૂકતાં જણાવ્યું,
“આ શૉ દ્વારા થતી ગહન અનુભૂતિ જેની આજે વિશ્વમાં ખૂબ જરૂર છે, તેવા સહિષ્ણુતા અને સંવાદિતાના સંદેશને યથાર્થ રીતે દ્રઢ કરાવે છે. તે અકલ્પનીય, પ્રેરણાદાયક, અને અસામાન્ય છે. અબુ આ મંદિર સંવાદિતા કેવી રીતે ઉદભવે છે, અને કેવી રીતે મદદ કરે છે તેનું સુંદર ઉદાહરણ છે.”
વી એફ એસ (VFS) ગ્લોબલના ચીફ કમર્શિયલ ઓફિસર તેમજ આ ઉદ્ઘાટન સમારોહના ઉદાર સહયોગી એવા જીતેન વ્યાસે જણાવ્યું,
“આ શૉ ખરેખર એક વૈશ્વિક અજાયબી છે. વિશ્વમાં ખૂબ વ્યાપકપણે પ્રવાસ કરેલ વ્યક્તિ તરીકે, હું વિશ્વાસપૂર્વક કહી શકું કે આખા વિશ્વમાં આના જેવું ક્યાંય કશે નથી. તેની વિશિષ્ટતા અને વૈશ્વિક અપીલ તેને અલગ કક્ષામાં મૂકી દે છે. આ એક એવો વિશિષ્ટ અનુભવ છે, જે સીમાતીત છે. ”
અબુ ધાબી ખાતે ‘ ધ લુવ્ર ‘ના ફાતિમા અલ બ્લુશી એ જણાવ્યું,
“મંદિરની યાત્રાને એકદમ જીવંત કરતા આ શૉને નિહાળીને મને આનંદ થયો. મંદિરના ઇતિહાસ વિષયક વિશેષ બાબતો જણાવતો અને સંવાદિતાના મહત્વને રજૂ કરતો આ શૉ ખૂબ રોચક લાગ્યો.”
ધ ફેરી ટેલ શો બી. એ.પી. એસ હિન્દુ મંદિર દ્વારા વી એફ એસ ગ્લોબલ ના સહકાર સાથે બનાવવામાં આવ્યો છે.
આ શૉ ૧૩ સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.