રશિયા અને ભારત વચ્ચે કાચા તેલની ડીલ ભારતીય રૂપિયામાં થાય છે. રશિયાએ ભારતને કરોડો બૈરલ કાચું તેલ વેચ્યું છે માટે એવો અંદાજો લગાવી શકાય છે કે રશિયા પાસે ભારતીય રૂપિયાનો અઢળક સંગ્રહ હોય શકે છે. આ ભારતીય રૂપિયાના ખજાનાને ખર્ચવા માટે રશિયાએ એક રસ્તો વિચાર્યો છે. રશિયાએ ભારતીય શિપયાર્ડમાંથી 24 માલવાહક જહાજોનો ઓર્ડર આપ્યો છે.
2027 સુધીમાં 24 માલવાહક જહાજોનું નિર્માણ કરાશે
એવામાં ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) અને રશિયન નિકાસ કેન્દ્ર વચ્ચે સહકારની જાહેરાત કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભારત સરકારની માલિકી વાળી GSL 2027 સુધીમાં 24 માલવાહક જહાજોનું નિર્માણ કરશે જે કેસ્પિયન સમુદ્રમાં કાર્યરત કરવામાં આવશે.
બંને દેશો માટે ફાયદાકારક ડીલ
પશ્ચિમી દેશોએ ભારતના રશિયા સાથે વેપાર પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં બંને દેશો વચ્ચે આ પ્રકારની વેપાર ડીલ કરવામાં આવી છે. આ વેપાર ડીલ બંને દેશો માટે ફાયદાકાર સાબિત થશે. નાણાકીય વર્ષ 2022માં ભારતે રશિયાને મશીનરી, રસાયણો, દરિયાઈ ઉત્પાદનો અને દવાઓ સહિત 3,139 વસ્તુઓની નિકાસ કરી હતી, જેની કિંમત 3.14 બિલિયન યુએસ ડોલર છે. આયાતના સંદર્ભમાં, ભારતે નાણાકીય વર્ષ 2022 માં રશિયા પાસેથી 1,225 વસ્તુઓની આયાત કરી, જેમાં ક્રૂડ તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, કિંમતી પથ્થરો અને વનસ્પતિ તેલનો સમાવેશ થાય છે, જેની કિંમત યુએસ 46.21 બિલિયન યુએસ ડોલર છે.
2022માં ક્રેમલિનના વિદેશી વિનિમય ભંડારને ફ્રીઝ કરી દીધા હતા અને રશિયાને SWIFT નેટવર્કમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ભારતે આ કારણોસર રશિયાને યુએસ ડોલરમાં ચૂકવણી કરવાની ના પાડી દીધી હતી. યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે બંને દેશોએ S-400 માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવાનો નિર્ણય લીધો હતો.