યુદ્ધના ચોથા દિવસે પણ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન ના આતંકી સંગઠન હમાસ વચ્ચે આડેધડ ફાયરિંગ અને મિસાઈલ મારો ચાલી રહ્યો છે. હમાસે શરૂ કરેલા હુમલાનો ઈઝરાયેલ પણ જડબાતોડ જવાબ આપી રહ્યો છે. યુદ્ધ વચ્ચે ઈસ્લામિક દેશો માં પણ ચર્ચાઓ અને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. બંને દેશોના ઘર્ષણને લઈ સંયુક્ત આરબ અમિરાતે આજે 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ કોઓપરેશન ની ઈમરજન્સી બેઠક બોલાવી છે.
OICએ ગાઝા વિરુદ્ધ ઈઝરાયેલની જવાબી કાર્યવાહીની નિંદા કરી
ઓઆઈસીએ ગાઝા વિરુદ્ધ ઈઝરાયેલની જવાબી કાર્યવાહીની નિંદા કરી છે. OICએ નિવેદનમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રસ્તાવોની અવગણના કરવા બદલ ઈઝરાયેલ જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ, શનિવારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ 23 લાખ લોકોમાંથી 1.87 લાખ લોકો બેઘર થયા છે.
મહિલા કેદીઓની સ્વૈપ મુદ્દે વાતચીત
હમાસ-ઈઝરાયેલ વચ્ચે મહિલા કેદીઓની સ્વૈપ (અદલા-બદલી) પર વાતચીત કરવાનો મુસ્લિમ દેશ કતાર પણ પ્રયાસ કરી રહ્યો છે. ઈસ્લામિક દેશ ઈજિપ્તે પણ આ મુદ્દે UAE અને સાઉદી અરેબિયા સાથે વાતચીત કરી છે. ઈઝરાયેલી વેબસાઈટે ચીનની સમાચાર એજન્સી શિન્હુઆને ટાંકીને લખ્યું છે કે, આતંકવાદી સંગઠન હમાસના પ્રવક્તાએ પણ કહ્યું કે, તેઓ ઈઝરાયેલની જેલમાં બંધ આતંકવાદીઓને છોડી મુકવા વાતચીત કરશે. જોકે ઈઝરાયેલી અધિકારીઓએ કેદીઓની મુક્તીને રદીયો આપી કહ્યું કે, હાલ કેદીઓને છોડવા અંગે કોઈ વાતચીત થઈ નથી.
હમાસે 130થી વધુ ઈઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા
અહેવાલો મુજબ શનિવારે ઘૂસણખોરી કરનાર હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલના 130થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા, જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો પણ સામેલ છે. આમાંથી ઘણાના મોત થયા છે, જ્યારે બચી ગયેલા લોકો હમાસના કબજામાં છે. અહેવાલો મુજબ વર્તમાનમાં ઈઝરાયેલની જેલોમાં 36 પેલેસ્ટાઈની મહિલાઓ કેદ છે અને હમાસ તેમને મુક્ત કરવાની માંગ કરી રહ્યો છે. આતંકવાદી સંગઠન હમાસના પ્રવક્તા અબ્દેલ-તલીફ અલ-કાનૌઆએ સોમવારે સમાચાર એજન્સી એપી સાથે વાત કરતા કહ્યું કે, હમાસ તેના તમામ પેલેસ્ટાઈની કેદીઓની મુક્તી ઈચ્છે છે તેમજ વેસ્ટ બેંક અને યરુશલેમ ઉપરાંત ખાસ કરીને અલ-અક્સા મસ્જિદમાં ઈઝરાયેલના વર્ચસ્વને ખતમ કરવા માંગે છે.
ચાર દિવસમાં 1600ના મોત
પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયાના ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં એક સાથે ઉભા છે. દરમિયાન બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1600 લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તો ગાજામાં પણ 1700થી વધુ હુમલા કરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઈઝરાયેલે પણ હમાસના 1500થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હોવાનો દાવો કર્યો છે. આ સ્થિતિ વચ્ચે હમાસે ધમકી આપી છે કે જો ગાઝા પટ્ટી પર હુમલા બંધ નહીં થાય તો તે ઈઝરાયેલના બંધકોને મારી નાખશે. હમાસ દ્વારા ઈઝરાયેલના 30થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે.