રેલવે વિભાગ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે ફેરફારો કરતો રહે છે. આમાં રેલવે સ્ટેશનો પર સુવિધાઓમાં વધારો અને ટ્રેનોના સામાન્ય અને સ્લીપર કોચમાં સુવિધાઓમાં વધારો શામેલ છે. આ ક્રમમાં રેલવે વધુ એક ફેરફાર કરવા જઈ રહી છે. રેલવે હવે નોન-AC કોચ માટે પણ AC કોચની સુવિધા શરૂ કરવા જઈ રહી છે.
રેલવેની આ નવી સુવિધા હાથ ધોવા સંબંધિત છે. રેલવે બોર્ડે લાંબા અંતરની ટ્રેનોના સ્લીપર કોચમાં પણ લિક્વિડ સોપ ડિસ્પેન્સર (હાથ ધોવા) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત AC કોચમાં જ ઉપલબ્ધ હતી. ભારતીય રેલવેએ નિર્ણય લીધો છે કે, તમામ નોન-એસી સ્લીપર રિઝર્વ્ડ કોચમાં ઓન-બોર્ડ હાઉસકીપિંગ સેવા સાથે હાથ ધોવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
ભારતીય રેલ્વેમાં સ્વચ્છતાના ધોરણોને વધુ સુધારવા માટે, બોર્ડ (MTRS અને MF) ની મંજૂરીથી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઓન બોર્ડ હાઉસકીપિંગ સર્વિસ (OBHS) સુવિધા ધરાવતી ટ્રેનોના તમામ નોન-એસી સ્લીપર રિઝર્વ કોચમાં આ ટ્રેનોના એસી રિઝર્વ કોચની જેમ જ લિક્વિડ હેન્ડવોશ આપવામાં આવે. નિર્ણયમાં જણાવાયું છે કે, તમામ ઝોનલ રેલ્વેને OBHS સુવિધા ધરાવતી ટ્રેનોમાં આ સંદર્ભમાં જરૂરી જોગવાઈઓ કરવાની સલાહ આપવામાં આવે છે.
રેલવે અધિકારીએ શું માહિતી આપી?
આ નિર્ણય પછી હવે લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સ્લીપર કોચમાં લિક્વિડ હેન્ડ વોશ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક રેલવે મિકેનિકલ એન્જિનિયરે જણાવ્યું હતું કે, જે ટ્રેનોમાં OBHS સુવિધા છે તેમના સ્લીપર કોચના ટોઇલેટ અને કોરિડોરમાં વોશ બેસિન પાસે લિક્વિડ સોપ ડિસ્પેન્સર લગાવવામાં આવશે. ટ્રેન શરૂ થાય તે પહેલાં તેમાં લિક્વિડ હેન્ડ વોશ ભરવામાં આવશે. જો રસ્તામાં તે ખતમ થઈ જાય તો કર્મચારી તેને ફરીથી ભરશે.
પસંદગીની ટ્રેનોમાં OBHS સુવિધા
ભારતમાં અનેક પ્રકારની ટ્રેનો દોડે છે. કેટલીક પ્રીમિયમ ટ્રેનો છે જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ વગેરે. આ ટ્રેનોમાં અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. કેટલીક સુપરફાસ્ટ અને મેઇલ એક્સપ્રેસ ટ્રેનો છે અને કેટલીક પેસેન્જર ટ્રેનો પણ છે. સુપરફાસ્ટ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનોમાંથી પસંદગીની ટ્રેનોમાં OBHS સુવિધા હોય છે.