પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ બંગાળ STF (Special Task Force)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ કેસમાં નવા ખુલાસાઓની શક્યતા વધી ગઈ છે.
બિહાર અને યુપીમાંથી 3 આરોપીઓ ઝડપાયા
પશ્ચિમ બંગાળ STFએ બિહારના બક્સર અને યુપીના બલિયા જિલ્લામાં દરોડા પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં મયંક રાજ મિશ્રા, વિકી મૌર્ય અને રાજ સિંહનો સમાવેશ થાય છે.
આ તમામની મધ્યમગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. હાલમાં CID અને પોલીસ ટીમો આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે.
ટેકનોલોજીથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ
આ કેસમાં ટેકનોલોજીએ તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓ પૈકી એકે ટોલ પ્લાઝા પર UPI મારફતે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.
આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આધારે તપાસકર્તાઓને આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી. ત્યારબાદ ગુપ્ત માહિતીના આધારે 10 મેના રોજ વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ફિલ્મી ઢબે થઈ હતી હત્યા
આ હત્યાની ઘટના 6 મેની રાત્રે કોલકાતાના ઉત્તરીય પરા વિસ્તારમાં આવેલા મધ્યમગ્રામના ડૌલતલા ખાતે બની હતી.
ચંદ્રનાથ રથ પોતાની કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો. કારને રોકીને હુમલાખોરોએ ખૂબ નજીકથી ગોળીબાર કર્યો હતો, ભલે કારના કાચ બંધ હતા. ગંભીર રીતે ઘવાયેલા રથનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બિહાર-યૂપી કનેક્શન, સુપારી એંગલની તપાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ત્રણ આરોપીઓમાંથી બે બિહારના બક્સરના છે જ્યારે એક ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી છે.
હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ હત્યા માટે શૂટર્સને સુપારી કોણે આપી હતી અને આ પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે કે વ્યક્તિગત દુશ્મની. પોલીસ ટૂંક સમયમાં આ કેસમાં વધુ ખુલાસા કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel