ઓનલાઇન બેટિંગ અને ગેરકાયદેસર સટ્ટાબાજી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 1xBet નામની ઓનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દેશની જાણીતી હસ્તીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, અભિનેત્રી નેહા શર્મા, ઉર્વશી રૌતેલા, તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હાઝરા સામેલ છે. EDનો આરોપ છે કે આ હસ્તીઓએ 1xBet જેવી ગેરકાયદેસર બેટિંગ એપનું પ્રચાર-પ્રસાર કરીને આર્થિક લાભ મેળવ્યો હતો, જે ભારતીય કાયદા મુજબ ગુનો ગણાય છે.
EDની તપાસ મુજબ, યુવરાજ સિંહની 2.5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જ્યારે રોબિન ઉથપ્પાની 8.26 લાખ રૂપિયાની સંપત્તિ સીઝ કરાઈ છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલાની 2.02 કરોડ રૂપિયાની સંપત્તિ (જે તેમની માતાના નામે નોંધાયેલી હતી) પણ જપ્ત કરવામાં આવી છે. અભિનેતા સોનુ સૂદની 1 કરોડ રૂપિયાની સંપત્તિ, નેહા શર્માની 1.26 કરોડ રૂપિયા, મિમી ચક્રવર્તીની 59 લાખ રૂપિયા અને અંકુશ હાઝરાની 47.20 લાખ રૂપિયાની સંપત્તિ પર પણ EDએ કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ED છેલ્લા ઘણા સમયથી તપાસ કરી રહી છે. અગાઉ પણ યુવરાજ સિંહ, સુરેશ રૈના, શિખર ધવન સહિત અનેક ક્રિકેટર્સ અને સેલિબ્રિટીઝની પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલાં EDએ શિખર ધવનની 4.55 કરોડ રૂપિયા અને સુરેશ રૈનાની 6.64 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. અત્યાર સુધી 1xBet કેસમાં કુલ 19.07 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
EDનું કહેવું છે કે 1xBet જેવી એપ્સ ભારતમાં ગેરકાયદેસર છે અને આવી એપ્સના પ્રચાર દ્વારા લોકોમાં સટ્ટાબાજી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેનાથી નાણાકીય છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ વધે છે. આ કાર્યવાહી બાદ બેટિંગ એપ્સના પ્રચારમાં જોડાયેલા સેલિબ્રિટીઝની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા અને કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel