ગુરુવારે મોડી રાત્રે લોકસભામાંથી પસાર થયા બાદ VB-G RAM G બિલને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઈ, પરંતુ આ દરમિયાન વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે સહિતના વિપક્ષી દળોએ સરકાર પર મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાની કોશિશ કરવાનો અને રાજ્યો પર વધારાનો નાણાકીય બોજ લાદવાનો આરોપ મૂક્યો.
વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા આ માગ ન સ્વીકારતા હંગામો સર્જાયો. બિલ પાસ થતાં જ વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કરીને સંસદ પરિસરમાં ધરણા અને પ્રદર્શન શરૂ કર્યા, હાથમાં પ્લકાર્ડ લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ‘વિકસિત ભારત–ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (VB-G RAM G) બિલ, 2025’ હેઠળ મનરેગાની જગ્યાએ ગ્રામિણ પરિવારોને દર વર્ષે 125 દિવસની મજૂરી આધારિત રોજગાર ગેરંટી આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જે અગાઉ 100 દિવસ હતી.
સરકારનું કહેવું છે કે આ પગલાથી ગ્રામિણ અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને ગરીબ પરિવારોને વધારાની આવકની તક મળશે, જ્યારે વિપક્ષનું માનવું છે કે આ બિલ કેન્દ્ર દ્વારા રાજ્યો પર જવાબદારી ઠેલવાનો પ્રયાસ છે. રાજ્યસભામાં વિરોધ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારને ચેતવણી આપી હતી કે જો આ બિલ અંગે જનભાવના ભડકી ઉઠશે તો લોકો રસ્તાઓ પર ઉતરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel