હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બિલાલ નામના યુવકને તેની હિંદુ પ્રેમિકા ઉમાની નિર્મમ હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. ઉમા છેલ્લા લગભગ બે વર્ષથી બિલાલ સાથે લિવ-ઇન સંબંધમાં રહી રહી હતી. થોડા દિવસ પહેલાં યમુનાનગરના જંગલ વિસ્તારમાંથી એક યુવતીનો ગળું કપાયેલો મૃતદેહ મળ્યો હતો, જેની ઓળખ બાદમાં ઉત્તર પ્રદેશના સહારનપુરની રહેવાસી ઉમા તરીકે થઈ. બિલાલ પણ સહારનપુર જિલ્લાના એક ગામનો રહેવાસી છે અને ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.
મીડિયા રિપોર્ટ્સ અને પોલીસ તપાસ મુજબ, ઉમા પહેલેથી જ પરણિત હતી અને એક બાળકની માતા પણ હતી. તે બિલાલ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ બિલાલના પરિવાર દ્વારા તેનું બીજે સ્થળે નિકાહ નક્કી કરી દેવામાં આવ્યું હતું. આ કારણે બિલાલને ડર હતો કે ઉમા તેના પરિવાર સુધી પહોંચી જઈને તેમના સંબંધ વિશે ખુલાસો કરી દેશે, જેના કારણે તેની આવનારી શાદી અને સામાજિક સ્થિતિ ખોરવાઈ શકે. આ ભયના કારણે બિલાલે ઉમાની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ અનુસાર, 14 ડિસેમ્બરના રોજ બિલાલના નિકાહ થવાના હતા. તે પહેલાં તેણે ઉમાને ફરવાનું કહેીને કારમાં સાથે લાવી હતી. રસ્તામાં જ બિલાલે કારની સીટ બેલ્ટ વડે ઉમાનું ગળું દબાવી દીધું, જેના કારણે તેનું મોત થયું. હત્યા બાદ ઓળખ છુપાવવા માટે તેણે ઉમાનું માથું કાપી નાખ્યું, મૃતદેહને પોલિથીનમાં લપેટી જંગલમાં ફેંકી દીધો અને શરીરને નિર્વસ્ત્ર કરવાની પણ હરકત કરી હતી, જેથી ઓળખ શક્ય ન બને. બાદમાં આરોપીની નિશાનદેહી પરથી પોલીસે ઉમાનું કપાયેલું માથું પણ શોધી કાઢ્યું છે.
હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી હતી. તપાસ દરમિયાન મૃતદેહ નજીક રાત્રિના સમયે UP નંબરની કાર દેખાઈ હોવાની માહિતી મળી અને CCTV ફૂટેજમાં એક સંદિગ્ધ વ્યક્તિ ઉત્તર પ્રદેશ તરફ જતો નજરે પડ્યો. આ કડીઓના આધારે પોલીસ બિલાલ સુધી પહોંચી. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં તેના નિકાહની તૈયારીઓ ચાલી રહી હતી. ધરપકડ બાદ પૂછપરછમાં બિલાલે ગુનો કબૂલ કરતાં જણાવ્યું હતું કે તેને ડર હતો કે ઉમા તેના ઘરે જઈને બધું કહી દેશે. હાલ પોલીસે આરોપી સામે હત્યાની ગંભીર કલમો હેઠળ કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel