મુંબઈની સૌથી શક્તિશાળી અને દેશની સૌથી ધનાઢ્ય લોકલ બોડી ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી આખરે જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સોમવાર, 15 ડિસેમ્બરના રોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 15 જાન્યુઆરીએ મતદાન યોજાશે અને 16 જાન્યુઆરીએ મતગણતરી કરવામાં આવશે. મુંબઈ સાથે સાથે રાજ્યની અન્ય 28 મહાનગરપાલિકાઓની ચૂંટણી પણ એકસાથે યોજાશે, જેમાં કુલ 2,869 બેઠકો માટે અંદાજે 3.48 કરોડ મતદારો પોતાનો મતાધિકાર વાપરશે. આ જાહેરાત સાથે જ તમામ પાલિકા વિસ્તારોમાં આચારસંહિતા તાત્કાલિક અમલમાં આવી ગઈ છે.
આ ચૂંટણીમાં મુંબઈ ઉપરાંત નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, પુણે, નાશિક, નાગપુર, છત્રપતિ સંભાજીનગર સહિતની મહત્વની મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મુંબઈમાં કુલ 227 વોર્ડ અને નવી મુંબઈમાં 111 વોર્ડ માટે ચૂંટણી યોજાશે. તમામ પાલિકાઓમાં મતદાન એક જ તબક્કામાં કરાવવાનો નિર્ણય લેવાયો છે. BMCની ચૂંટણી લાંબા સમયથી લટકતી હતી, કારણ કે વોર્ડરચના, OBC આરક્ષણ અને અન્ય કાયદાકીય મુદ્દાઓને લઈને મામલો અદાલતમાં ચાલી રહ્યો હતો. આ કારણે અનેક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ ચૂંટણી થઈ શકી નહોતી. માહિતી અનુસાર, 5 કોર્પોરેશનોનો કાર્યકાળ 2020માં, 18નો 2022માં અને 4નો 2023માં પૂર્ણ થયો હતો, અને આ દરમિયાન મોટાભાગની સંસ્થાઓનું સંચાલન પ્રશાસકો દ્વારા થઈ રહ્યું હતું.
BMCની ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ન રહીને મહારાષ્ટ્રના રાજ્ય રાજકારણ માટે સેમીફાઇનલ સમાન માનવામાં આવે છે. અહીંનું રાજકીય વાતાવરણ ઘણીવાર વિધાનસભા ચૂંટણી જેવું જ તીવ્ર બની જાય છે. આવનારી ચૂંટણીમાં પણ મહાયુતિ (ભાજપ + શિવસેના [શિંદે] + એનસીપી [અજિત પવાર]) અને મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ + શિવસેના [ઉદ્ધવ ઠાકરે] + એનસીપી [શરદ પવાર]) વચ્ચે સીધી અને કઠોર ટક્કર થવાની સંભાવના છે. કરોડો રૂપિયાનું બજેટ અને મુંબઈ જેવા મહાનગર પર નિયંત્રણ હોવાને કારણે BMCની ચૂંટણી રાજ્યના રાજકીય દિશાસૂચક તરીકે જોવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel