પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના લગભગ આઠ મહિના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક મોટા ખુલાસા સાથે કુલ 7 આતંકીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સોમવાર, 15 ડિસેમ્બરના રોજ NIAએ જમ્મુ સ્થિત વિશેષ અદાલતમાં આ 1,597 પાનાની વિસ્તૃત ચાર્જશીટ રજૂ કરી હતી. તેમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને તેની શાખા ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને કાનૂની એકમ તરીકે આરોપી બનાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં હુમલાની સંપૂર્ણ યોજના, તેને અંજામ આપવા પાછળનું પાકિસ્તાન પ્રાયોજિત કાવતરું, આતંકીઓની ચોક્કસ ભૂમિકાઓ અને તપાસ દરમિયાન મળેલા મજબૂત પુરાવાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
NIA મુજબ, LeT/TRFએ પહલગામ હુમલાની યોજના બનાવી, સ્થાનિક સહયોગીઓની મદદથી આતંકીઓને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો અને હુમલાને અમલમાં મૂક્યો. આ હુમલામાં આતંકીઓએ ધર્મના આધારે ટાર્ગેટેડ હત્યાઓ કરી હતી, જેમાં 25 પર્યટકો અને એક સ્થાનિક નાગરિકનું મોત થયું હતું, જે દેશને હચમચાવી દેનાર ઘટના બની હતી. ચાર્જશીટમાં પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબાના હેન્ડલર અને કમાન્ડર સાજિદ જટ્ટને મુખ્ય માસ્ટરમાઇન્ડ તરીકે આરોપી બનાવવામાં આવ્યો છે. સાથે જ, જુલાઈ 2025માં શ્રીનગરના દાચીગામ વિસ્તારમાં ઓપરેશન મહાદેવ દરમિયાન ભારતીય સુરક્ષાદળો દ્વારા ઠાર કરાયેલા ત્રણ પાકિસ્તાની આતંકીઓ — ફૈસલ જટ્ટ ઉર્ફે સુલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન અને હમજા અફઘાની —ના નામ પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.
NIA Chargesheets Pak- Based LeT/TRF & 6 other Accused in Pahalgam Terror Attack Case pic.twitter.com/yDnFPw2DGi
— NIA India (@NIA_India) December 15, 2025
NIAએ LeT/TRF અને ચારેય આતંકીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), આર્મ્સ એક્ટ, 1959 તથા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (UAPA)ની ગંભીર કલમો હેઠળ આરોપો લગાવ્યા છે. આ સાથે ભારત સામે યુદ્ધ છેડવાના ગુનાને લગતી દંડાત્મક કલમો પણ ઉમેરવામાં આવી છે. NIAના જણાવ્યા અનુસાર, આઠ મહિનાની ગહન, વૈજ્ઞાનિક અને ટેકનિકલ તપાસમાં હુમલાની દરેક કડીને પાકિસ્તાન સુધી જોડવામાં સફળતા મળી છે.
આ કેસમાં સ્થાનિક સહાયની ભૂમિકા પણ સામે આવી છે. આતંકીઓને આશ્રય આપવાના આરોપમાં પરવેઝ અહમદ અને બશીર અહમદ જોથટને NIAએ 22 જૂન 2025ના રોજ ધરપકડ કર્યા હતા અને તેમની વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન બંનેએ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓની ઓળખ કરી હતી અને તે પણ સ્વીકાર્યું હતું કે તેઓ LeT સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિકો હતા. NIAની આ ચાર્જશીટે પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ, સ્થાનિક સહયોગ અને સંગઠિત કાવતરાંને સ્પષ્ટ રીતે ઉજાગર કરી દીધા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel