ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને પછી 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે પ્લાન બનાવ્યો છે. ભાજપ મધ્યપ્રદેશની ચૂંટણીમાં નો-રિપીટ ફોર્મ્યુલાને અમલમાં મૂકવાની પ્રક્રિયામાં છે, જે અંતર્ગત જૂના નેતાઓને ટિકિટ કાપીને નવા અને યુવા ચહેરાઓ સાથે બદલવાની વ્યૂહરચના છે. આ માટે ભાજપ તેના વર્તમાન 40 થી 50 ધારાસભ્યો અને એક ડઝન સાંસદોની ટિકિટ કાપી શકે છે. આ ફોર્મ્યુલા પર ભાજપે ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જંગ જીત્યો હતો. અને હવે જોવાનું એ રહેશે કે મધ્યપ્રદેશમાં ભાજપ નો-રિપીટ ફોર્મ્યુલા થકી કેવો રાજકીય કરિશ્મા બતાવે છે ?
મધ્યપ્રદેશમાં સત્તા પર પાછા ફરવા માટે ભાજપ તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ભાજપે રાજ્યમાં નબળી ગણાતી 39 વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારો પહેલેથી જ જાહેર કરી દીધા છે અને બાકીની બેઠકો માટે પણ વિજેતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની વ્યૂહરચના ઘડી રહી છે. ભાજપ સીટીંગ ધારાસભ્યોને લઈને સર્વે કરી રહી છે.
મધ્યપ્રદેશમાં અન્ય રાજ્યોના ધારાસભ્યોને પણ મોકલીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ધારાસભ્યો સામે સત્તા વિરોધી લહેરનો સામનો કરવા માટે, ભાજપ નો-રીપીટ ફોર્મ્યુલા અજમાવવાની તૈયારીમાં છે. મધ્યપ્રદેશમાં વર્તમાન ધારાસભ્યો કે જેમની વિરુદ્ધ તેમના જ વિસ્તારમાં વાતાવરણ યોગ્ય નથી અથવા જેઓ 70 પ્લસ થઈ રહ્યા છે તેવા ધારાસભ્યોની જગ્યાએ નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી શકે છે.
40થી 50 ધારાસભ્યોની ટિકિટ કપાશે?
સૂત્રોનું માનીએ તો ભાજપ તેના વર્તમાન 127 ધારાસભ્યોમાંથી 40થી 50 ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. આ ધારાસભ્યોની જગ્યાએ નવા અને યુવા ચહેરાઓને ટિકિટ આપીને તે વિધાનસભાની ચૂંટણીમાં દાવ લગાવશે. આ સિવાય બાકીની બેઠકો પર પણ ભાજપ મજબૂત ઉમેદવારો ઉભા રાખવાનો પ્રયાસ કરી રહી છે. આ રીતે, ભાજપના ધારાસભ્યો સામે સત્તા વિરોધી લહેરનો સામનો કરવાની વ્યૂહરચના છે.
એક ડઝન સાંસદોની ટિકિટ કાપવામાં આવશે
વિધાનસભા ચૂંટણીની સાથે ભાજપ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની પણ તૈયારી કરી રહ્યું છે. ભાજપે મધ્યપ્રદેશમાં 2019 જેવા પરિણામોનું પુનરાવર્તન કરવાની રણનીતિ બનાવી છે. ભાજપે રાજ્યની 29 લોકસભા બેઠકોમાંથી 28 બેઠકો જીતી હતી અને આ વખતે તેનો ટાર્ગેટ ક્લીન સ્વીપ કરવાનો છે. સૂત્રોનું માનીએ તો, ભાજપ એમપીમાં તેના લગભગ ડઝન જેટલા વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે. એક-બે વર્તમાન લોકસભા સાંસદોની વૃદ્ધાવસ્થાના કારણે તેમની ટિકિટ કપાય તેવી શક્યતા છે.
સાંસદોને વિધાનસભાની ચૂંટણી લડાવવાની ફોર્મ્યુલા
ભાજપ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ કાપીને તેના ઘણા સાંસદોને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપના સાંસદોને વિધાનસભાની ચૂંટણી લડાવવા પાછળની વ્યૂહરચના વિપક્ષના મજબૂત ઉમેદવારોને સખત પડકાર આપવાની છે. આ ફોર્મ્યુલા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે.
ભાજપની નો-રિપીટ ફોર્મ્યુલા હિટ રહી હતી
ભાજપની નો રિપીટ ફોર્મ્યુલા ઘણા રાજ્યોમાં હિટ રહી છે. મોદી-શાહની આ યોજનાથી ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સતત સત્તામાં છે. બીજેપી ગુજરાતમાં દર વખતે તેના 25 ટકા વર્તમાન ધારાસભ્યોની જગ્યાએ નવા ચહેરાઓ લાવી રહી છે. ભાજપે 2022ની યુપી ચૂંટણીમાં પણ આ જ ફોર્મ્યુલા અજમાવી હતી અને હવે મધ્યપ્રદેશની ચૂંટણીમાં પણ સત્તા વિરોધી લહેરને ખાળવા માટે તેના કેટલાક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. પાર્ટી ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.