ભાજપે કર્ણાટકના બળવાખોર નેતા કેએસ ઈશ્વરપ્પાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. હાવેરી લોકસભા બેઠક પરથી તેમના પુત્રને ટિકિટ ન અપાતા ઈશ્વરપ્પાએ બળવો કર્યો હતો. તેઓ ભાજપથી એટલા નારાજ હતા કે તેમણે શિવમોગાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી દીધી હતી. આ કારણોસર પાર્ટીએ હવે તેમની સામે કાર્યવાહી કરી છે. શિવમોગા બેઠક પરથી બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્ર ભાજપના ઉમેદવાર છે. એટલે કે ઈશ્વરપ્પા રાઘવેન્દ્ર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. શિવમોગામાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થશે.
કર્ણાટકના પૂર્વ ડેપ્યુટી સીએમ ઈશ્વરપ્પાએ થોડા સમય પહેલા રાજકારણમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના પુત્રને હાવેરી બેઠક પરથી ટિકીટ આપવાની માગ કરી હતી. તેમના પુત્રને ટિકીટ ન મળતા તેમણે બીજેપી નેતા અને પૂર્વ સીએમ યેદિયુરપ્પા વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને યેદિયુરપ્પાના પુત્ર સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું એલાન કરી દીધુ હતું.
આ એલાન કરતા ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે, કર્ણાટકમાં બીજેપી સારી સ્થિતિમાં નથી. કર્ણાટકની જનતા અને પાર્ટીના કાર્યકર્તાઓ તો બીજેપીના પક્ષમાં છે પરંતુ અહીંની વ્યવસ્થા ખૂબ ખરાબ છે.
કેએસ ઈશ્વરપ્પાએ બીએસ યેદિયુરપ્પા પર પરિવારવાદનો લગાવ્યો આરોપ
કેએસ ઈશ્વરપ્પાએ બીએસ યેદિયુરપ્પા પર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું કે, પીએમ મોદી કહે છે કે, કોંગ્રેસ પાર્ટી એક પરિવારના હાથમાં છે પરંતુ કર્ણાટકમાં બીજેપીની પણ આ જ સ્થતિ છે. કર્ણાટક બીજેપી પર પણ એક જ પરિવારનો કબજો છે. આપણે તેનો વિરોધ કરવો પડશે.
બીજેપીથી નારાજ ઈશ્વરપ્પાએ જ્યારે શિવમોગાથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુદ તેમને ફોર્મ પરત ખેંચવા માટે કહ્યું હતું પરંતુ તેઓ નહોતા માન્યા.
BJP expels KS Eshwarappa from party for 6 years
Read @ANI Story | https://t.co/xRQcV0fizC#Eshwarappa #BJP #Shivamogga #LokSabhaElection2024 pic.twitter.com/06t8q2Eo6i
— ANI Digital (@ani_digital) April 22, 2024
હવે બીજેપી દ્વારા કેએસ ઈશ્વરપ્પા સામે કાર્યવાહી કરવા અંગે એક પત્ર જારી કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરપ્પાએ પાર્ટી પ્રોટોકોલની વિરુદ્ધ જઈને આ લોકસભા ચૂંટણી અપક્ષ તરીકે લડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે પાર્ટીની ફજેતી થઈ છે. ત્યારબાદ પાર્ટીએ આ કાર્યવાહી કરી છે અને તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હવે શું બોલ્યા ઈશ્વરપ્પા?
બીજેપીમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે કેએસ ઈશ્વરપ્પાએ કહ્યું કે, મેં એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મને હજુ પણ આશા છે. મને કોઈ સસ્પેન્શનનો ડર નથી. તેમણે આગળ કહ્યું કે, હું અપક્ષ તરીકે ચૂંટણી લડીશ અને જીતીશ અને પાછો બીજેપીમાં આવી જઈશ. હું પાંચ વાર કમળના નિશાન સાથે ચૂંટણી લડ્યો છું.