મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, શાસક પક્ષ ભાજપ રાજ્યમાં વિજય સંકલ્પ અભિયાન શરૂ કરશે. મંગળવારે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટી નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. બેઠક પૂરી થયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા (વીડી શર્મા)એ કહ્યું કે પાર્ટી ટૂંક સમયમાં પ્રચાર સંબંધિત તારીખોની જાહેરાત કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી આ અંગે સૂચનાઓ મળી હતી. જે બાદ આજે પાર્ટીએ બેઠક યોજીને કાર્યક્રમની જાણકારી આપી હતી. ભાજપ કાર્યાલયમાં લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ચૂંટણી અને રાજકીય રણનીતિ બનાવવા સંબંધિત અન્ય અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણીમાં જીતની રણનીતિ પર ચર્ચા
વાસ્તવમાં, મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપના પ્રદેશ કાર્યાલયમાં ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ વીડી શર્માએ જણાવ્યું કે, બેઠકમાં અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણીમાં જીતની રણનીતિ અને પાર્ટીની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી
વિજય સંકલ્પ અભિયાન
વીડી શર્માએ કહ્યું કે સમીક્ષા બાદ ગૃહમંત્રી શાહે જાહેરાત કરી છે કે, રાજ્યમાં વિજય સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંગેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. શર્માએ કહ્યું કે અમિત શાહે રાજ્યની રાજકીય સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી લીધી. આ સાથે તાજેતરની ઘટનાઓને લઈને કેવા રાજકીય પરિબળો કામ કરી રહ્યા છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભોપાલમાં અમિત શાહનું સ્વાગત
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ ભોપાલ પહોંચ્યા હતા. અહીં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત સમગ્ર કેબિનેટે, એરપોર્ટ પર સ્ટેટ હેંગરમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અમિત શાહે ભોપાલમાં રાજ્યના તમામ વરિષ્ઠ પદાધિકારીઓ, કોર કમિટીના સભ્યો અને અન્ય નેતાઓ સાથે બેઠક યોજી હતી.