લોકસભા ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા ક્ષત્રિય આંદોલન શાંત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારથી ગાંધીનગરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક ચાલી રહી છે. પરશોતમ રૂપાલા સામનો વિરોધ ખાળવા માટે ભાજપે ગાંધીનગરમાં વધુ એક બેઠક બોલાવી છે. ક્ષત્રિય સમાજ નારાજગી દૂર કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોતાને મેદાન પર ઉતરી આવ્યા છે.
ભાજપે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ક્ષત્રિય આગેવાનોની બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનાં રોષને ખાળવા માટે ચર્ચા ચાલી રહી છે. જણાવી દઈએ કે પરશોતમ રૂપાલાની ટિકિટ કાપવાની માગ સાથે ક્ષત્રિય સમાજના આક્રોશે ભાજપને હંફાવી દીધું છે. રૂપાલાની માફી અને સીઆર પાટીલે હાથ જોડ્યા પછી પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માગ પર અડગ છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આજે ગાંધીનગરમાં થઈ રહેલી બેઠકમાં ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા કવાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સોમવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જામનગર, ભાવનગર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ બેઠકનું આયોજન કર્યું હતું. ભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની બેઠક મળી હતી, જેમાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ અને ભાજપનાં ક્ષત્રિય નેતાઓ જોડાયા હતા. આ બેઠકમાં હર્ષ સંઘવી અને ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકર બંને ઉપસ્થિત રહ્યા હતા. બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ક્ષત્રિય સમાજનાં વિરોધને લઈ ચર્ચા કરાઈ હતી.
જામનગરમાં પણ બેઠક યોજાઈ હતી અને સયાજી હોટેલમાં ગૃહ રાજ્યમંત્રી અને ભાજપના સંગઠનમંત્રી રત્નાકરને મળવા માટે સંકલન સમિતિના 8 સભ્યો ગુપ્ત રીતે મિટિંગ માટે પહોંચ્યા હતા. આ સિવાય કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ હર્ષ સંઘવીએ ક્ષત્રીય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો?
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરશોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓએ પુર જોશમાં પ્રચાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરશોતમ રુપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજે પરશોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે. અને હવે ક્ષત્રિયોના રોશને શાંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી શક્ય પ્રયાસો કરી રહી છે. આ માટે બેઠકનો દોર ચાલી રહ્યો છે.