ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે જ્યાં દર 5 વર્ષે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ યોજાય છે અને સત્તારુઢ પાર્ટીની હાર પર સરળતાથી સત્તાનું હસ્તાંતરણ થાય છે. આટલી સરળ અને શાંતિપૂર્ણ પ્રક્રિયા હેઠળ નેતૃત્વ પરિવર્તન થવું એ વિશ્વના ઘણા દેશો માટે આશ્ચર્ય અને શીખવા વાળી બાબત રહી છે. આ જ કારણોસર ભાજપે વિશ્વના ઘણા દેશોમાંથી 15 પાર્ટીઓને ચૂંટણી જોવા માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે ભારત બહારની કોઈ રાજકીય પાર્ટી ચૂંટણી નિહાળવા માટે દેશમાં આવશે. અગાઉ ભાજપે હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણી માટે વિદેશી રાજદ્વારીઓને આમંત્રણ આપીને ચૂંટણી દર્શન પર મોકલ્યા હતા.
દુનિયાના 15 રાજકીય પક્ષો ભારતનું લોકતંત્ર જોવા આવશે
આ વખતે ભાજપે બીજા દેશોની 15 પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. આ વિદેશી રાજકીય પક્ષોના લોકો ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ અને ચોથા તબક્કામાં 13મી મેના રોજ ચૂંટણી જોશે. આ સમયગાળા દરમિયાન વિદેશી પક્ષોના પ્રતિનિધિઓ ચૂંટણી લડી રહેલા ઉમેદવારો સાથે મુલાકાત કરશે. દેશના અલગ-અલગ ભાગોમાં જશે અને રેલીઓ તથા પક્ષની બેઠકોમાં ભાગ લેશે. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ પ્રયાસ એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણે દુનિયાને બતાવી શકીએ કે ભારતમાં ડેમોક્રેસી કેટલી વાઈબ્રેન્ટ છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે વિશ્વ એ જોવા માંગે છે કે આટલા મોટા અને વસ્તીવાળા દેશમાં ચૂંટણી કેવી રીતે થાય છે. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ કેવી રીતે કામ કરે છે? એટલા માટે અમે વિદેશી પ્રતિનિધિઓને આમંત્રિત કર્યા છે જેથી તેઓ ભારતમાં લોકતંત્રના દર્શન કરી શકે.
આ લોકોને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પણ લઈ જવામાં આવશે
બીજેપીની વિદેશ વિંગના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું કે, અત્યાર સુધી દુનિયાના 15 દેશોએ તેમના આગમનની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ભારત એક વાઈબ્રેન્ટ ડેમોક્રેસી છે અને દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માંગે છે. આ ઉપરાંત ભાજપ સત્તામાં છે તો અન્ય દેશોના રાજકીય પક્ષો પણ તેની કામગીરી વિશે જાણવા માંગે છે. તેમણે કહ્યું કે આ લોકોને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પણ લઈ જવામાં આવશે. અહીં તેમને ભારતમાં લોકશાહી વિશે જણાવવામાં આવશે. ત્યારબાદ તેમને દેશના જુદા જુદા ભાગોમાં લઈ જવામાં આવશે જેથી તેમને ચૂંટણી જોવાની તક મળે. એટલું જ નહીં ભાજપે વિદેશમાં વસતા ભારતીયોને પણ ચૂંટણીમાં સ્વયંસેવક તરીકે કામ કરવા માટે બોલાવ્યા છે.