બ્રિટનની સંસદે રવાંડા ડિપોર્ટેશન બિલ પાસ કરી દીધું છે. ઋષિ સુનકે પ્રધાનમંત્રી બન્યા પહેલા બ્રિટનમાં રવાંડા પોલિસી લાગુ કરવાનું વચન આપ્યું હતું. જેને સંસદના બંને ગૃહો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બિલ હેઠળ બ્રિટિશ સરકાર ગેરકાયદેસર રીતે બ્રિટન આવતા લોકોને આફ્રિકન દેશ રવાંડા મોકલશે.
વર્તમાન સમયમાં આવા શરણાર્થીઓને રોકવાની બ્રિટિશ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. આથી છેલ્લા બે વર્ષથી અટવાયેલા આ બિલને કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. આ બાબતે બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલીએ કહ્યું કે રવાંડા બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે અને તે થોડા દિવસોમાં કાયદો બની જશે.
આ બિલ યુકેમાં ગેરકાયદેસર રીતે આવતા શરણાર્થીઓને રોકવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં યુદ્ધ અને ગરીબીથી પરેશાન થઈને લોકો ઈંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચે છે. જેમાં મોટાભાગના લોકો આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાઈ દેશોના હોય છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આવા 4600 લોકોએ ઈંગ્લીશ ચેનલ પાર કરી છે.
આ બિલ હેઠળ બ્રિટિશ સરકાર ગેરકાયદેસર રીતે બ્રિટન આવતા શરણાર્થીઓને આફ્રિકન દેશ રવાંડા મોકલશે. ત્યારબાદ જેમની અરજીઓને માન્યતા મળશે તેમને બ્રિટન નાગરિકતા આપીને ફરી બ્રિટન બોલાવવામાં આવશે અને જેમની અરજીને માન્યતા નહિ મળે તે રવાંડામાં સ્થાયી થવા અથવા ત્રીજા દેશમાં આશ્રય મેળવવા માટે અરજી કરી શકશે.
WATCH: No ifs, no buts. These flights are going to Rwanda. https://t.co/lrTRFv3d25
— Rishi Sunak (@RishiSunak) April 22, 2024
શા માટે બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો?
આ બિલ વર્ષ 2022માં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ બિલનો ભારે વિરોધ થયો હતો. તેની સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બ્રિટિશ સુપ્રીમ કોર્ટે આ બિલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે લોકોને નાગરિકતા નહીં મળે, તેમને તેમના મૂળ દેશમાં પાછા ફરવું પડશે અને ત્યાં તેમની સાથે દુર્વર્તન કરવામાં આવી શકે છે. તેના આધારે સુપ્રીમ કોર્ટે આ બિલને માનવાધિકાર વિરુદ્ધ ગણાવ્યું હતું.
તેમજ રવાંડા પર ન્યાયિક હત્યાઓ, કસ્ટોડિયલ મૃત્યુ અને ત્રાસનો આરોપ લગાવીને ટીકા પણ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના વાંધા બાદ બ્રિટિશ સરકારે સેફ્ટી ઑફ રવાંડા બિલ રજૂ કર્યું હતું, જેમાં બ્રિટિશ સરકારે રવાંડાને એક સુરક્ષિત દેશ કહ્યો હતો.
દરેક વ્યક્તિ માટે 1.5 લાખ પાઉન્ડ ચૂકવશે બ્રિટિશ સરકાર
રવાંડા બિલ હેઠળ, બ્રિટિશ સરકારે રવાંડા સરકાર સાથે સ્થળાંતર સંધિ (Migration Agreement)પર હસ્તાક્ષર કર્યા છે. આ હેઠળ, બ્રિટિશ સરકારે 2023 ના અંત સુધીમાં રવાંડાને 240 મિલિયન પાઉન્ડ ચૂકવ્યા હતા અને પાંચ વર્ષ માટે કુલ ચૂકવણી 370 મિલિયન પાઉન્ડ થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટન રવાંડા મોકલવામાં આવેલા દરેક વ્યક્તિ માટે 1.5 લાખ પાઉન્ડ ચૂકવશે. હાલમાં, સરકાર બ્રિટનમાં શરણાર્થીઓ પર વાર્ષિક ચાર બિલિયન પાઉન્ડ ખર્ચે છે. સંધિ અનુસાર એક સ્વતંત્ર દેખરેખ સમિતિ સુનિશ્ચિત કરશે કે રવાંડા તેની જવાબદારીઓનું પાલન કરે છે કે નહી.
ઋષિ સુનકે કહ્યું હતું કે 10 થી 12 અઠવાડિયામાં બ્રિટનથી ગેરકાયદેસર શરણાર્થીઓની પ્રથમ બેચ રવાંડા મોકલવામાં આવશે. આ માટે સરકારે કોમર્શિયલ ચાર્ટર પ્લેન બુક કર્યા છે અને સ્ટાફને તાલીમ આપી છે જેથી તેઓ શરણાર્થીઓને રવાંડા લઈ જઈ શકે.
🗣 Rishi Sunak said the first migrant deportation flights to Rwanda will take place in “10 to 12 weeks” as he conceded he had failed to deliver on his target of getting them up and running by the spring
Follow the latest updates on our politics live blog ⬇️… pic.twitter.com/B0Qu5cOW8Y
— The Telegraph (@Telegraph) April 22, 2024
હજુ પણ કાયદાકીય પડકારો છે
રવાંડા બિલ બ્રિટિશ સંસદ દ્વારા પાસ થયા બાદ પણ બ્રિટિશ સરકારને હજુ કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. બ્રિટન યુરોપિયન કન્વેન્શનનો સભ્ય દેશ હોવાથી માનવ અધિકાર પર યુરોપિયન કોર્ટમાં આ બિલને પડકારવામાં આવી શકે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્થળાંતર કરનારાઓ પર નજર રાખતી સંસ્થાના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં જ ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવનારા શરણાર્થીઓની સંખ્યા 45,744 હતી. તેમજ શરણાર્થીઓની કુલ સંખ્યા 7,45,000 હતી.
આ વર્ષના અંતમાં બ્રિટનમાં ચૂંટણીઓ યોજાવાની છે. જેથી બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટી પણ આ બિલનો વિરોધ કરી રહી છે અને તેણે જાહેરાત કરી છે કે જો તેઓ સત્તામાં આવશે તો તેમની સરકાર આ બિલ પાછું ખેંચી લેશે.