બ્રિટિશ નાગરિકતા હવે સરળતાથી મળશે નહીં. હવે પ્રવાસીઓ માટે નાગરિકતા મેળવવા માટે રાહ જોવાનો સમયગાળો પાંચથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે ઇમિગ્રેશન પર એક કડક નવી નીતિની જાહેરાત કરી છે. આ પગલાનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં ઇમિગ્રેશનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો સુનિશ્ચિત કરવાનો છે. આ નવી નીતિ ભારતીયો સહિત વિશ્વભરના ઇમિગ્રન્ટ્સને અસર કરશે. સંસદમાં સ્થળાંતર પરના બહુપ્રતિક્ષિત શ્વેતપત્રની રજૂઆત પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં સ્ટાર્મરે અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટી સરકાર પર ખુલ્લી સરહદોનો બહાનો તરીકે ઉપયોગ કરીને ગડબડ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, પ્રવાસન પ્રણાલીને કડક બનાવવામાં આવશે જેથી અમારું વધુ નિયંત્રણ રહે.
નવી નીતિ પછી આ વ્યવસ્થા બદલાશે
તેમણે કહ્યું કે, નવી વ્યવસ્થા હેઠળ પાંચ વર્ષ સુધી બ્રિટનમાં રહેતા ભારતીયો સહિત કોઈપણ વ્યક્તિ માટે આપમેળે વસાહત અને નાગરિકતા પ્રાપ્ત કરવાની હાલની સિસ્ટમનો અંત આવશે. તેના બદલે બધા સ્થળાંતર કરનારાઓએ કાયમી નિવાસ માટે અરજી કરતા પહેલા યુકેમાં એક દાયકા વિતાવવો પડશે, સિવાય કે તેઓ અર્થતંત્ર અને સમાજમાં વાસ્તવિક અને કાયમી યોગદાન દર્શાવી શકે. યુકેના અર્થતંત્રમાં યોગદાન આપનારા નર્સો, ડોકટરો, એન્જિનિયરો અને એઆઈ લીડર્સ જેવા ઉચ્ચ કુશળ લોકોની અરજીઓ પર ઝડપથી વિચારણા કરવામાં આવશે. સ્ટાર્મરે બ્રિટનના ખુલ્લી સરહદોના નિષ્ફળ પ્રયોગને સમાપ્ત કરવાનું વચન આપ્યું છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં ઇમિગ્રેશન વિરોધી રિફોર્મ પાર્ટીની સફળતા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટિશ રાજકારણમાં લાંબા સમયથી બે પ્રબળ પક્ષો રહ્યા છે, લેબર અને કન્ઝર્વેટિવ્સ, પરંતુ મેયરની ચૂંટણીમાં તેમનો ટેકો ઘટી ગયો છે.
સ્ટાર્મરની પાર્ટી ઇમિગ્રેશન પર વધતી જતી અસંતોષનો સામનો કરી રહી
યુકેના ગૃહ સચિવ યવેટ કૂપર હાઉસ ઓફ કોમન્સમાં શ્વેતપત્ર રજૂ કરશે
બ્રિટિશ ગૃહ સચિવ યવેટ કૂપર હાઉસ ઓફ કોમન્સમાં શ્વેતપત્ર રજૂ કરશે. જેમાં વિદેશી સંભાળ કામદારોની સંખ્યા ઘટાડવાનો પણ સમાવેશ થઈ શકે છે, જેમાં આરોગ્ય અને દેખભાળ વિઝા અવરોધિત કરવાનો પણ સમાવેશ થાય છે. કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક બનાવવામાં આવશે જેથી લઘુત્તમ લાયકાતની જરૂરિયાત ગ્રેજ્યુએશન સ્તર સુધી વધારી શકાય અને તેમના માટે લઘુત્તમ પગાર મર્યાદા પણ વધારી શકાય.