અમદાવાદ મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સડસડાટ આગળ વધી રહ્યો છે. બે ફાયનાન્સીયલ હબ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર કાપવા હાઈસ્પીડ કોરીડોર તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે રેલવે પણ સમયાંતરે અપડેટ આપતું રહે છે… ત્યારે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકનું નિર્માણ સુરતથી શરૂ થઈ ગયું છે. આ ટ્રેકને કોંક્રીટના બેડમાંથી બનાવાઈ રહ્યો છે, જેને NHSRCL જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમ કહી રહ્યું છે. આ સિસ્ટમનો ઉપયોગ જાપાનની હાઈ-સ્પીડ રેલ સિસ્ટમ શિંકાનસેનમાં કરાયો છે, જ્યારે ભારતમાં આવા ટ્રેકનું નિર્માણ પ્રથમવાર કરવામાં આવી રહ્યું છે.
ફાસ્ટનિંગ ડિવાઈસથી સજ્જ હશે પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ
NHSRCLના જણાવ્યા મુજબ જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમ માટે આરસી સ્લીપરનું ઉત્પાદન ગુજરાતના સુરત શહેરથી શરૂ કરી દેવાયું છે. આમાં એક પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબનો પણ સમાવેશ થાય છે, જેના પર ફાસ્ટનિંગ ડિવાઈસ લગાવાયા છે. આ સિસ્ટમના ઉપયોગ બાદ દેશની પ્રથમ બુલેટ ટ્રેન 350 કિલોમીટરથી વધુની સ્પીડો દોડશે… આ ટ્રેન દ્વારા 508 કિલોમીટરના મુંબઈથી અમદાવાદના રૂટને માત્ર 3 કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થશે.
ટ્રેક સ્લેબનું નિર્માણ વિશેષ ફેક્ટરીઓમાં કરાશે
કંપનીએ જણાવ્યું કે, પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ભાગમાં આવતા ટ્રેકના નિર્માણ સંબંધીત કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે. હાલના સમયે ટ્રેકમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ખરીદી પણ અંતિમ તબક્કામાં છે. ઉપરાંત જાપાનમાંથી 14000 મેટ્રીક ટનથી વધુ રેલવે ટ્રેક અને ટ્રેક સ્લેબ કાસ્ટિંગ માટે 50 મોલ્ડ અગાઉથી મળી ચુક્યા છે. કંપનીએ જણાવ્યું કે, વિશેષ ફેક્ટરીઓમાં જ ટ્રેક સ્લેબનું નિર્માણ કરવામાં આવશે. આ માટે અગાઉથી જ 2 ફેક્ટરીઓ સ્થાપવામાં આવી છે.
પ્રોજેક્ટ પાછળ રૂ.1.08 લાખ કરોડનો ખર્ચ
ઉલ્લેખનિય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનક પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે, જેમાંથી કેન્દ્ર સરકારે NHSRCLને 10,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર 5000-5000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. જ્યારે બાકીની રકમ જાપાન દ્વારા 0.1 ટકાના વ્યાજ દરે લોન દ્વારા અપાશે.