ઈટાલીના વેનિસમાં મંગળવારે મિથેન ગેસ પર ચાલતી બસ એક પુલ પરથી નીચે પડી ગઈ હતી. જેના કારણે બસમાં આગ લાગી હતી, જેના કારણે બે બાળકો અને વિદેશી પ્રવાસીઓ સહિત 21 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મેયર લુઇગી બ્રુગ્નારોએ ફેસબુક પર આ અકસ્માતની જાણકારી આપી હતી.
વેનિસ પ્રદેશના ગવર્નર લુકા ઝૈયાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 21 હતો અને 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મૃતદેહોને બહાર કાઢવા અને તેમની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે. પીડિત અને ઘાયલોમાં માત્ર ઈટાલિયનો જ નહીં પરંતુ ઘણા દેશોના લોકોનો સમાવેશ થાય છે.
ઘાયલોમાં ત્રણ યુક્રેનિયન, એક ક્રોએશિયન, જર્મન અને ફ્રેન્ચ નાગરિકો
સિટી હોલના એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં યુક્રેનિયન પ્રવાસીઓનો સમાવેશ થાય છે, જ્યારે ઇટાલિયન સમાચાર એજન્સી ANSAએ જણાવ્યું હતું કે મૃતકોમાં જર્મન અને ફ્રેન્ચ નાગરિકો પણ સામેલ છે. શહેરના એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાં ત્રણ યુક્રેનિયન, એક ક્રોએશિયન, જર્મન અને ફ્રેન્ચ નાગરિકો છે.
બસ વેનિસના ઐતિહાસિક કેન્દ્રથી કેમ્પિંગ સાઇટ પર પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ઉત્તરી ઇટાલિયન શહેરના મેસ્ત્રે અને માર્ગેરા જિલ્લાઓને જોડતી રેલ્વે લાઇન પરના પુલ પરથી નીચે પડી જતાં બસમાં આગ લાગી હતી.
At least 20 dead after bus falls from Venice bridge, reports AFP, quoting city hall
— ANI (@ANI) October 3, 2023
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અકસ્માતના સમાચાર પર નજર રાખવા માટે હું મેયર લુઇગી બ્રુગનારો અને (પરિવહન) મંત્રી માટ્ટેઓ સાલ્વિનીના સંપર્કમાં છું. સાલ્વિનીએ કહ્યું કે અકસ્માતનું કારણ ડ્રાઈવરનું અચાનક બીમાર પડવું અથવા બીમાર થઈ જવું હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ બેરિયર તોડીને બ્રિજથી લગભગ 30 મીટર (100 ફૂટ) નીચે રેલવે ટ્રેક પાસે પડી હતી. તેમણે કહ્યું કે કેટલીક વીજ લાઈનો સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી હતી. ગૃહમંત્રી માટ્ટેઓ પિઆન્ટેડોસીએ જણાવ્યું હતું કે મિથેન ગેસના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. તેમણે કહ્યું, મને ડર છે કે મૃત્યુઆંક વધશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને શોક વ્યક્ત કર્યો હતો. જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બેરબોકે કહ્યું કે તે ભયાનક બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો પીડિતો, તેમના પરિવારજનો અને મિત્રો સાથે છે.