મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નામ પર નકલી સહીઓ અને સ્ટેમ્પનો ઉપયોગ કરતી ગેંગની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં મુખ્યમંત્રીના નામની નકલી સહીઓ અને સ્ટેમ્પવાળા એક ડઝન મેમોરેન્ડા મુખ્યમંત્રી કાર્યાલયમાં જમા કરવામાં આવ્યા છે.
સહી વાળા એક ડઝન મેમોરેન્ડમ મળ્યા
મેમોરેન્ડમ સબમિટ કરનારા લોકોની ઓળખ માટે CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયને આવા એક ડઝન મેમોરેન્ડમ મળ્યા હતા. જેમાં મુખ્યમંત્રીની સહી હતી અને આગળની કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે વાસ્તવિકતામાં એકનાથ શિંદેએ આવા કોઈ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા જ નહોતા.
બુધવારે નોંધાઈ FIR
જે પછી મુખ્યમંત્રી કાર્યાલયને આ સહીઓ અંગે શંકા ગઈ, તેથી તેઓએ તેની તપાસ કરાવી અને જાણવા મળ્યું કે, મુખ્યમંત્રીએ ક્યારેય આવા કોઈ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા નથી, ન તો તેમણે તે સંબંધિત મુદ્દા પર કોઈ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
આ પછી મુખ્યમંત્રી કાર્યાલયના ડેસ્ક ઓફિસરે આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ નકલી સહી કરવા બદલ FIR નોંધવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે બુધવારે રાત્રે 7:30 વાગ્યે આ મામલે FIR નોંધવામાં આવી હતી.
શું CM ઓફિસમાંથી કોઈ સામેલ છે?
IPCની કલમ 420, 465, 471,473, 468 હેઠળ અજાણ્યા લોકો સામે FIR નોંધવામાં આવી છે. સહી સિવાય મુખ્યમંત્રી કાર્યાલયની નકલી સ્ટેમ્પનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે.
તે તપાસવામાં આવી રહ્યું છે કે, શું આમાં કોઈ અંદરની વ્યક્તિ સામેલ હતી કે કોઈ બહારની વ્યક્તિએ આ છેતરપિંડી કરી હતી. પોલીસ મેમોરેન્ડમ સબમિટ કરનારા લોકોની પણ ઓળખ કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયને આ મેમોરેન્ડમ કોણે આપ્યું તે જાણવા માટે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા-જતા લોકોના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.