આજે વૈશાખ સુદ ત્રીજ, અખા ત્રીજના પર્વે બ્રાહ્મણોના આરાધ્ય દેવ તેમજ તપ-બળ અને સાહસના પ્રતિક ભગવાન પરશુરામના જન્મોત્સવની આણંદ જિલ્લાના ગામ, શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા, વિશેષ પૂજા-અર્ચના, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આણંદ શહેરમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર, આણંદ જિલ્લા દ્વારા ઉજવણીના ભાગરુપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ટુ વ્હીલર, કાર સહિત ભૂદેવો, નગરજનો જોડાયા હતા.
શહેરના આઝાદ મેદાનેથી બપોરે ભગવાન પરશુરામના જયજયકાર સાથે શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું. જે નવા બસ સ્ટેન્ડ, ટાઉનહોલ, વિદ્યાનગર રોડ પરથી પસાર થઇને ઇસ્કોન મંદિરે પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમ્યાન ઠેર-ઠેર પુષ્પોથી સ્વાગત કરાયું હતું. યાત્રા ઇસ્કોન મંદિરે પહોંચ્યા બાદ મહા આરતીમાં રાજકીય, સામાજીક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સૌ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પ્રથમવાર ૩૧ ફુટ ઉંચા રથમાં ભગવાન પરશુરામની પ્રતિમાની સ્થાપના સાથે આશરે ૫ કિ.મી. લાંબી શોભાયાત્રા નીકળી હતી. હિન્દુ સનાતન ધર્મ-સંસ્કૃતિના રક્ષક, શસ્ત્ર- શાસ્ત્રના પ્રખર જ્ઞાતા ચિંરજીવ ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા બ્રહ્મ સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.