ચંદ્રયાન-૩ની સફળતાએ દુનિયા માટે દ્વાર ખોલ્યાં છે. ચંદ્રયાન-૩ની ઉપર દુનિયા આખીની નજર મંડાઈ હતી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પોતાનું યાન મોકલનાર ભારત પહેલો દેશ છે. આથી ઈસરોના વિજ્ઞાનીઓ અને વડાપ્રધાન સહિત સમગ્ર ભારત આનંદમાં આવી ગયું. જે સહજ પણ છે. અમેરિકા પણ આથી અન્ય ભારતીયોની જેમ જ ખુશ છે, અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના વિજ્ઞાનીઓ પણ ખુશ છે. તેઓ પણ ભારતના વિજ્ઞાનીઓ જેટલા જ ખુશ છે.
કારણ સહજ છે. અમેરિકા ૨૦૨૫-૨૬માં પોતાનું મૂન-મિશન લોન્ચ કરવાનું છે. આ મિશનનો હેતુ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચી ત્યાં સંશોધન હાથ ધરવાનો છે.
તેવે વખતે ચંદ્રયાને એકત્રિત કરેલો ડેટા તેને કામ લાગી શકે તેમ છે.
અત્યારે ચંદ્રયાન-૩માં રહેલું પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવી ચંદ્રની સપાટી ઉપર પહોંચી ગયું છે. ૧૪ દિવસ સુધી વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની ભૂમિ પરથી નમુના એકત્રિત કરી તેની ઉપર પ્રયોગો કરવાનું છે. ચંદ્રયાન જે પ્રયોગો કરશે તેના પરિણામો નાસા માટે માર્ગદર્શક બનશે.