ચંદ્રના દક્ષિણ ભાગ પર વિશ્વમાં સૌ પ્રથમ વખત ચંદ્રયાન-3 નું સોફટ લેન્ડિંગ કરીને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગા ધ્વજને ગૌરવાન્વિત કરનાર ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતાં ત્યારે તેમણે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે.
ચંદ્રયાન-3 મિશન પૂર્ણ થયું છે : ISROના ચેરમેન
ISROના ચેરમેન એસ. સોમનાથે આજે ગુજરાતના વેરાવળમાં સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. અહી તેમણે કહ્યું હતું કે ભારતનું ચંદ્રયાન-3 મિશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે અને તે મિશન પૂર્ણ થયું છે. જે કામ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને આપવામાં આવ્યું હતું તે કામ સફળતાપૂર્વક કર્યું છે. આ સાથે જ ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જો રોવર અને લેન્ડરના સર્કિટને નુકસાન થયું નહીં હોય તો તે ફરીથી એક્ટિવ થઈ શકે છે. કારણ કે શિવ શક્તિ પોઈન્ટ પર તાપમાન માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી સુર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી ચંદ્રયાન-3 ચંદ્ર પર હાજર રહેશે.