છત્તીસગઢ સરકારમાં ટીએસ સિંહદેવની ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્તિ બાદ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે, કોંગ્રેસને હવે સીએમ ભૂપેશ બઘેલ પર વિશ્વાસ નથી. બીજી તરફ કોંગ્રેસ આ આરોપોને પાયાવિહોણા ગણાવી રહી છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવે પોતે પ્રતિક્રિયા આપી છે. તેમની આ પ્રતિક્રિયા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની ટિપ્પણી પર આવી છે.
સીએમ એકનાથ શિંદેના નિવેદન પર ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવે કહ્યું કે, એન્જિન નબળુ હશે તેથી 3 લોકોની જરૂર પડી રહી છે. અમે છત્તીસગઢમાં મુખ્યમંત્રી સાથે સહાયક કોચની જેમ કામ કરી રહ્યા છીએ. તેમના એન્જિનમાં કદાચ કોઈ નબળાઈ હશે જેના કારણે તેમને ભાજપની જરૂર પડી રહી છે.
બીજી તરફ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રવિવારે કહ્યું હતું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન અને અજિત પવાર એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ તે ‘ડબલ એન્જિન’ સરકારમાંથી ત્રણ પૈડા વાળી ઓટો રિક્ષા બની ગઈ છે.
મહારાષ્ટ્ર સરકારમાં વધુ ઉથલપાથલનો દાવો કરતા બઘેલે કહ્યું કે, મેં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને એકબીજાની બાજુમાં બેસીને હસતા જોયા છે જ્યારે રાજ્યપાલની સામે બેઠેલા મુખ્યમંત્રી શિંદે હતાશ નજર આવી આવી રહ્યા હતા.
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ગત વખતે શિવસેનામાં ભંગાણ પડ્યુ હતું અને આ વખતે એનસીપીમાં થયુ છે. પહેલા ડબલ એન્જિનવાળી સરકાર હતી અને હવે તે ત્રણ પૈડાવાળી ઓટોરિક્ષા છે.