Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

અમદાવાદમાં બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ: ₹10 હજારમાં 14 વર્ષના કિશોરનો સોદો, 3 સગીરોનું રેસ્ક્યુ

અમદાવાદમાં બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ: ₹10 હજારમાં 14 વર્ષના કિશોરનો સોદો, 3 સગીરોનું રેસ્ક્યુ

અમદાવાદમાં સગીર બાળકોના અપહરણ, માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી કરાવવાના ગંભીર કેસનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણ સગીર બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. આ મામલે પોલીસે દિનેશ ઓડ અને ભરત ભરવાડ નામના બે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, એક 14 વર્ષીય સગીર કિશોરનું અપહરણ કર્યા બાદ તેને કથિત રીતે માત્ર 10 હજાર રૂપિયામાં અન્ય વ્યક્તિને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળક પાસે પશુપાલન અને અન્ય મજૂરીના કામ કરાવવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે.

14 વર્ષના કિશોરનો ₹10 હજારમાં સોદો

પોલીસ તપાસ અનુસાર, આરોપી દિનેશ ઓડે 14 વર્ષીય કિશોરનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને 10 હજાર રૂપિયામાં ભરત ભરવાડને વેચ્યો હોવાનો આરોપ છે. બાળકને પોતાની પાસે રાખ્યા બાદ તેની પાસે પશુપાલન સહિતનાં મજૂરીનાં કામ કરાવવામાં આવતા હતા.

આ મામલે ભરત ભરવાડની પૂછપરછ કરવામાં આવતા અન્ય સગીર બાળકો અંગે પણ માહિતી સામે આવી હતી. જેના આધારે પોલીસે તપાસનો વ્યાપ વધારી વધુ બાળકોને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ સગીર બાળકોને કરાયા રેસ્ક્યુ

તપાસ દરમિયાન ભરત ભરવાડ અને તેના ભાઈ રણછોડભાઈ દ્વારા કુલ ત્રણ સગીર બાળકોને કબજામાં રાખીને તેમની પાસે બળજબરીથી મજૂરી કરાવવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓ આર્થિક રીતે નબળા પરિવારોનાં બાળકોને નિશાન બનાવતા હોવાની પણ પોલીસ તપાસમાં માહિતી મળી છે.

આ બાળકો પાસે દિવસભર મજૂરી કરાવવામાં આવતી હતી, જ્યારે તેમના પરિવારને વર્ષ દરમિયાન માત્ર 500થી 1,000 રૂપિયા જેટલી નજીવી રકમ આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે કાર્યવાહી કરીને ત્રણેય સગીર બાળકોને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા. જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાળકોનું તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.

પંચમહાલ અને વડોદરાના બાળકોનું પરિવાર સાથે પુનઃમિલન

રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકો મૂળ પંચમહાલના નંદીસર અને વડોદરાના છાણી વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. લાંબા સમય બાદ બાળકો સુરક્ષિત મળતાં તેમના પરિવારજનોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી.

હાલ દિનેશ ઓડ અને ભરત ભરવાડ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ હવે આ કેસમાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ કરી રહી છે. આ જ નેટવર્ક દ્વારા અગાઉ પણ અન્ય સગીર બાળકોનું અપહરણ કે માનવ તસ્કરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ ઉપરાંત ભરત ભરવાડનો ભાઈ રણછોડભાઈ ક્યાં છે અને સમગ્ર નેટવર્કમાં તેની શું ભૂમિકા રહી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સમગ્ર મામલાની કડીઓ જોડીને નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Ahmedabad Vadodara Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.