હવે મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલી હિંસામાં ચીન ઘુસી ગયું છે. ચીનના સોશિયલ મીડિયામાં ભારત વિરુદ્ધ મણિપુર હિંસા અંગે ઘણી બધી ઉશ્કેરણીજનક વાતો લખવામાં આવી રહી છે. ષડયંત્રના ભાગરૂપે સેંકડો લોકો મણિપુર હિંસા અંગે ભારતીય સેના અને સુરક્ષા દળો વિરુદ્ધ ઉશ્કેરણીજનક લખાણ લખી રહ્યા છે.
ચીનના સોશિયલ મીડિયા Weibo પર મણિપુર હિંસા સંબંધિત વીડિયો સતત શેર કરવામાં આવી રહ્યા છે. આમાંના ઘણા એવા વીડિયો છે જેનો મણિપુર હિંસા સાથે કોઈ સંબંધ નથી. ચીનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતીય સુરક્ષા દળો અને સેના પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.
Weibo પર એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, મણિપુરના લોકો ભારતીય સૈન્ય પોલીસ સામે આઝાદીની લડાઈ લડી રહ્યા છે. ઘણા ચાઈનીઝ યુઝર્સ #મણિપુર ઈઝ નોટ ઈન્ડિયા અને #China stands with Manipur જેવા હેશટેગનો ઉપયોગ કરીને ભારત વિરુદ્ધ ષડયંત્રને વેગ આપી રહ્યા છે.
ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન તરફથી એક મોટા ષડયંત્ર હેઠળ મણિપુરને લઈને ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક વાતો લખવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં કાર્યરત આતંકવાદી જૂથો પાસે મોટી સંખ્યામાં હથિયારો પહોંચી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.
મણિપુરમાં પણ ઉગ્રવાદી જૂથો આ હથિયારોની મદદથી હિંસા ફેલાવી રહ્યા છે. આ ઉગ્રવાદીઓને ચીનના કાળાબજારમાંથી પણ ખૂબ જ સરળતાથી હથિયારો મળી રહ્યા છે. આતંકવાદીઓના ઘણા કમાન્ડરો વિશે એવી ગુપ્ત માહિતી છે કે તેઓ ચીનમાં છુપાયેલા છે. આવી સ્થિતિમાં ચીનની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
સેન મણિપુરની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. સેના અને આસામ રાઈફલ્સ સાથે મળીને તે સતત ઓપરેશન ચલાવી રહી છે. સેનાના વડાએ 27 અને 28 મેના રોજ મણિપુરની મુલાકાત પણ લીધી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
ગૃહ પ્રધાન અમિત શાહ પણ 29 મેથી મણિપુરમાં છે અને રાજ્યના મુખ્યમંત્રી અને સુરક્ષા દળોના અધિકારીઓ સાથે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. જો જોવામાં આવે તો ચીન માટે એ વાત પચાવવી મુશ્કેલ બની રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડોકલામ અને ત્યારબાદ ગલવાનમાં ભારતીય સેના દ્વારા ખરાબ રીતે પરાજિત થયા બાદ ભારત હવે 1962નું ભારત નથી રહ્યું.
ભારતીય સેના ચીન તરફથી કોઈપણ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, સાથે જ એલએસી પાસે આધુનિક હથિયારોની તૈનાતીથી ચીન પરેશાન છે અને કદાચ આ જ કારણ છે કે હવે ભારત વિરુદ્ધ મણિપુર હિંસા પર ચીન સાથે મળીને ષડયંત્ર રચાઈ રહ્યું છે.