Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ગાંધીનગરમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’ એનાયત, 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન

ગાંધીનગરમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’ એનાયત, 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન

ગાંધીનગરમાં ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા રાજ્યભરના કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ કેટેગરીમાં પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને અનુક્રમે રૂ. 1 લાખ, રૂ. 75 હજાર અને રૂ. 50 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

ક્લાઇમેટ એક્શનને ‘જન આંદોલન’ બનાવવું પડશે: અર્જુન મોઢવાડિયા

કાર્યક્રમને સંબોધતા ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ સામેની કાર્યવાહી જ્યાં સુધી આપણી ‘જીવનશૈલી’ એટલે કે Way of Lifeનો ભાગ નહીં બને ત્યાં સુધી તે માત્ર સરકારી ફાઇલો અને કાગળો સુધી સીમિત રહી જશે. ક્લાઇમેટ એક્શનને સમાજના દરેક વર્ગની ભાગીદારી સાથે જન આંદોલનનું સ્વરૂપ આપવાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ક્લાઇમેટ ચેન્જની દિશામાં નક્કર કામગીરી શરૂ કરી હતી અને અલગ ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનારા વિશ્વના પ્રારંભિક રાજ્યોમાં સ્થાન મેળવ્યું હતું.

‘એક પેડ મા કે નામ’ અભિયાનનો કર્યો ઉલ્લેખ

અર્જુન મોઢવાડિયાએ ગ્રીન કવર વધારવાના પ્રયાસો પર ભાર મૂકતા ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગ્રીન કવર વધાર્યા વિના પર્યાવરણનું સંતુલન જાળવવું મુશ્કેલ બનશે, કારણ કે કાર્બન ફૂટપ્રિન્ટ ઝડપથી વધી રહી છે.

તેમણે કહ્યું કે માનવીની અનેક પ્રવૃત્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને તેને સંતુલિત કરવામાં નહીં આવે તો પ્રકૃતિ માટે પોતાની વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બનશે. ભારતીય પરંપરામાં પ્રકૃતિની પૂજાનું વિશેષ મહત્વ રહ્યું છે. આદિવાસી સમાજ પણ ડુંગર, નદી, વૃક્ષો, પથ્થર અને પ્રાણીઓ સહિત પ્રકૃતિ સાથે જોડાયેલા તત્ત્વોને વિશેષ મહત્વ આપે છે.

નવી પેઢીને ક્લાઇમેટ ચેન્જનું શિક્ષણ આપવાની જરૂર

ક્લાઇમેટ ચેન્જ અંગે બાળકોને નાનપણથી જ શિક્ષિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા મોઢવાડિયાએ જણાવ્યું કે જે રીતે બાળકોને ગણિત, ભાષા અને અન્ય વિષયો શીખવવામાં આવે છે, તેવી જ રીતે નવી પેઢી માટે ક્લાઇમેટ ચેન્જ અંગેનું શિક્ષણ પણ જરૂરી બન્યું છે.

તેમણે પ્રાથમિક, માધ્યમિક અને યુનિવર્સિટી સ્તરના અભ્યાસક્રમોમાં ક્લાઇમેટ ચેન્જ સંબંધિત એક-બે પ્રકરણો ઉમેરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. ભવિષ્યની પેઢીને સારું પર્યાવરણ અને જીવવા યોગ્ય પૃથ્વી આપવી એ વર્તમાન પેઢીની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.

20 જિલ્લાઓ માટે ‘ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન’

કાર્યક્રમ દરમિયાન રાજ્યના આશરે 20 જિલ્લાઓ માટે તૈયાર કરવામાં આવેલા ‘ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન’ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ એક્શન પ્લાનમાં ઘરેલું ઊર્જાના ઉપયોગથી લઈને પરિવહન, ખેતી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સુધીના વિવિધ ક્ષેત્રોમાં પર્યાવરણને અનુકૂળ પગલાં અંગે સરળ સમજ આપવામાં આવી છે.

અર્જુન મોઢવાડિયાએ આ સંશોધન અને માહિતી શાળા-કોલેજના શિક્ષકો, વહીવટી વિભાગો અને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે સરળ ગુજરાતીમાં નાની બુકલેટ તૈયાર કરવાની જરૂરિયાત દર્શાવી હતી.

તેમણે કહ્યું કે ક્લાઇમેટ એક્શન પ્લાન માત્ર પુસ્તકો સુધી મર્યાદિત ન રહે, પરંતુ તેને વહીવટી સુધારાના ભાગરૂપે સરકારી પ્રક્રિયામાં પણ સામેલ કરવો જોઈએ. જરૂરિયાત મુજબ નીતિ અને સરકારી ઠરાવના સ્વરૂપમાં તેને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી અમલમાં મૂકવાથી જમીની સ્તરે વધુ અસરકારક પરિણામ મેળવી શકાશે.

સરળ ભાષામાં ક્લાઇમેટ ચેન્જ સમજાવવાની જરૂર: પ્રવીણ માળી

રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો માત્ર સરકાર કે નિષ્ણાતોના પ્રયાસોથી શક્ય નથી. તેના માટે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે અને ક્લાઇમેટ એક્શનને ‘માસ મૂવમેન્ટ’ એટલે કે જન આંદોલનનું સ્વરૂપ આપવું પડશે.

તેમણે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે, પરંતુ આ ક્ષેત્રમાં કાર્યરત લોકોની સંખ્યા હજુ મર્યાદિત છે. IIT, IIM, ગુજરાત વિદ્યાપીઠ સહિતની વિવિધ સંસ્થાઓ આ દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે.

કાર્બન ફૂટપ્રિન્ટ, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ જેવા શબ્દો સામાન્ય નાગરિકો માટે ટેક્નિકલ લાગી શકે છે. તેથી બાળકો અને સામાન્ય લોકો સુધી ક્લાઇમેટ ચેન્જનો સંદેશ પહોંચાડવા સરળ ભાષા, માઇક્રો મોડલ અને પ્રાયોગિક પ્રદર્શનનો ઉપયોગ કરવાની જરૂર હોવાનું પ્રવીણ માળીએ જણાવ્યું હતું.

સોલર રૂફટોપ અને ગ્રીન એનર્જીમાં ભાગીદારી વધારવા અપીલ

પ્રવીણ માળીએ સરકારી ઇમારતોને સોલર ઊર્જાથી સજ્જ કરવાના નિર્ણયને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે સોલર રૂફટોપ ક્ષેત્રમાં નાગરિકો અને ઉદ્યોગોની ભાગીદારી વધારવા પણ અપીલ કરી હતી.

ક્લાઇમેટ એક્શન ટ્રેકર દ્વારા જિલ્લા સ્તરે કાર્બન ઉત્સર્જનનું મેપિંગ મહત્વપૂર્ણ હોવાનું જણાવતા તેમણે બનાસકાંઠાના કૃષિ ક્ષેત્રનું ઉદાહરણ આપ્યું હતું. ભૂગર્ભજળ અને વીજળીના ઉપયોગથી થતા ઉત્સર્જનમાં ઘટાડો કરવા નવી ટેક્નોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.

સાથે જ ક્લાઇમેટ એક્શનને શિક્ષણ સાથે જોડીને નવી પેઢીને જાગૃત કરવા અને ભારતના વર્ષ 2070ના નેટ ઝીરો લક્ષ્યાંક તરફ સહિયારા પ્રયાસો સાથે આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.

JEDA અને IIM અમદાવાદ વચ્ચે થયા MoU

કાર્યક્રમ દરમિયાન JEDA અને IIM અમદાવાદ વચ્ચે ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રમાં પરસ્પર સહકાર અને સંયુક્ત કામગીરી માટે MoU કરવામાં આવ્યા હતા. આ ભાગીદારીનો હેતુ ક્લાઇમેટ એક્શન સંબંધિત સંશોધન, આયોજન અને અમલીકરણને વધુ અસરકારક બનાવવાનો છે.

આ ઉપરાંત મંત્રીઓના હસ્તે ‘ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર’, ‘ક્લાઇમેટ ચેન્જ મોડ્યુલ’ અને 20 જિલ્લાઓ માટે તૈયાર કરવામાં આવેલા ‘District Level Climate Smart Action Plan with Decarbonisation Pathway’નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં કોને મળ્યો એવોર્ડ?

શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં ‘Green Technology and Sustainable Energy’ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ કન્યા વિનય ટેમ્પલ સંસ્કાર તીર્થ, અજોલને પ્રથમ સ્થાન મળ્યું હતું.

‘Green School’ ક્ષેત્રે કામગીરી બદલ શ્રીમતી કે. વી. માંગુકિયા વિદ્યાલય, જોથણ, ઓલપાડ, સુરતને દ્વિતીય સ્થાન મળ્યું હતું. જ્યારે ‘Towards a Net-Zero Future: Gujarat Vidyapith as a Climate Smart, Sustainable Campus’ માટે ગુજરાત વિદ્યાપીઠ અને ‘Integrated Sustainable Engineering Campus Model’ માટે લાલજીભાઈ ચતુરભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ભાંડુ, મહેસાણાને તૃતીય સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા હતા.

વ્યક્તિગત કેટેગરીના વિજેતાઓ

વ્યક્તિગત કેટેગરીમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગુજરાત માટે સ્કેલેબલ ગ્રામ્ય ઘન કચરા વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને મોડેલ વિલેજ આધારિત અમલીકરણ માટે અમદાવાદના ધ્રુમિન નરોત્તમભાઈ ડાભીને પ્રથમ સ્થાન મળ્યું હતું.

હિંમતનગર ખાતે ‘અમિધારા ફાર્મ’માં ગ્રીન ટેક્નોલોજી અને ઊર્જા કાર્યક્ષમતા ક્ષેત્રે કામગીરી બદલ અશોકભાઈ અમીચંદભાઈ પટેલને દ્વિતીય સ્થાન મળ્યું હતું. ‘Adopt the Plant, Adopt the Future’ પહેલ માટે વડોદરાના અંશ નયન શાહને તૃતીય સ્થાન મળ્યું હતું.

રિસર્ચ પ્રોજેક્ટ કેટેગરીમાં આબોહવા પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સંશોધન તથા કામગીરી બદલ અમદાવાદના ડૉ. રોનક આર. ગઢવીની તૃતીય ક્રમના ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

જનજાગૃતિ કેટેગરીમાં ચાર સંસ્થાઓનું સન્માન

જનજાગૃતિ કેટેગરીમાં રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય સમુદાયની આત્મનિર્ભરતા અને સ્થિતિસ્થાપકતામાં સુધારાની કામગીરી બદલ સવરાજ સોરાષ્ટ્ર વોલન્ટરી એક્શન, રાજકોટને પ્રથમ સ્થાન મળ્યું હતું.

‘The Green Catalyst: Youth Involvement and Participation in Waste Management, Climate Change and Environmental Awareness in the State of Gujarat’ માટે પર્યાવરણ મિત્ર, અમદાવાદને દ્વિતીય સ્થાન મળ્યું હતું.

‘Climate Change Adaptation in Agriculture through Innovative Interventions’ માટે Farmbridge Social Support Foundation, ભરૂચ અને ગ્રામ્ય સમુદાયની આત્મનિર્ભરતા તથા સ્થિતિસ્થાપકતામાં સુધારાની કામગીરી માટે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, અમરેલીને તૃતીય સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા હતા.

મહિલા સાહસિક કેટેગરીમાં ઉષાબેન ડામોર પ્રથમ

મહિલા સાહસિક કેટેગરીમાં ‘ઉષા વન: આબોહવા પરિવર્તન સામે લડવા માટે એક મહિલાનું વિરાટ પર્યાવરણીય પગલું’ માટે દાહોદના ઉષાબેન એમ. ડામોરને પ્રથમ સ્થાન મળ્યું હતું.

‘Home Biogas – Green Energy and Organic Fertilizer from Wet Waste’ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ સુરતના યાશિકા વાય. રોટલીવાલાને દ્વિતીય સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા હતા.

14 પર્યાવરણપ્રેમીઓને મળ્યું સન્માન

આ રીતે ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન ટેક્નોલોજી, કચરા વ્યવસ્થાપન, જનજાગૃતિ, કૃષિ અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને અનુક્રમે રૂ. 1 લાખ, રૂ. 75 હજાર અને રૂ. 50 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં JEDAના નિયામક ધર્મેશ પટેલે સ્વાગત પ્રવચન સાથે પુરસ્કારોની પૃષ્ઠભૂમિ રજૂ કરી હતી. કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ. હર્ષદ પટેલ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ આર. આર. ડામોર, વસુધા ફાઉન્ડેશનના CEO શ્રીનિવાસ કૃષ્ણાસ્વામી સહિત અધિકારીઓ અને પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.