ગુજરાતના મુખ્યમંત્રીએ ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં પ્રેઝન્સ સાથે ટાટા ગ્રુપ ગુજરાતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. સાણંદ ફેસેલિટીમાં ફ્લેક્સિબલ એસેમ્બલી લાઈન છે અને તે EV મોડલ સહિત ટિગોર અને ટિયાગો જેવા પેસેન્જર વાહનોના વિવિધ મોડલનું ઉત્પાદન તેઓ કરે છે તેની વિગતો જણાવી હતી.
નટરાજને ગુજરાતમાં રોકાણો અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ટાટા ગ્રૂપે સાણંદમાં રૂપિયા 13,000 કરોડના ખર્ચે EV બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ગ્રૂપની પેટાકંપની એ લિથિયમ-આયન કોષોના ઉત્પાદન માટે ગીગા-ફેક્ટરી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે સંયુક્ત સાહસની રચના કરી
આ ઉપરાંત ટાટા કેમિકલ ધોલેરામાં ભારતના સૌથી મોટા લિથિયમ-આયન બેટરી પ્લાન્ટનું આયોજન કરવા વિચારી રહ્યું છે. તેમજ ટાટા અને એરબસે વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે સંયુક્ત સાહસની રચના કરી છે. જેનું ભૂમિપૂજન વડાપ્રધાને ગયા વર્ષે કર્યું હતું.
મુખ્યમંત્રીએ ટાટા જૂથ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જીમાં મોટું રોકાણ કરી રહ્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. ટાટા પાવર સોલર એ ઉર્જા ક્ષેત્રના અગ્રણી કંપનીઓમાંની એક છે, જેને સોલર PLI (ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજનાના બીજા તબક્કામાં વિવિધ કેટેગરીમાં રકમ ફાળવવા મુખ્યમંત્રીએ તૈયારી દર્શાવી હતી. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ગિફ્ટ સિટી મારફતે તેના પ્રથમ A350 એરક્રાફ્ટનું સંપાદન પૂર્ણ કર્યું છે. ગિફ્ટ સિટી દ્વારા લીઝ પર અપાયેલું આ પ્રથમ વાઈડ બોડી એરક્રાફ્ટ છે.
વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પણ પાઠવ્યું
CMએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર EV નીતિ અંતર્ગત ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકો અને રાજ્યમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપી રહેલી કંપનીઓને પ્રોત્સાહન આપે છે. મુખ્યપ્રધાને તાજેતરમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 નીતિ અંગે માહિતગાર કર્યાં હતા. આ નીતિ અંતર્ગત ટાટા ગૃપને રાજ્યભરમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવા પણ મુખ્યપ્રધાને તૈયારી દર્શાવી હતી. તેમજ આગામી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.