ડિસેમ્બરમાં યોજાનારી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વધુને વધુ રોકાણકારોની ભાગીદારી કરવા માટે CM પુષ્કર સિંહ ધામી લંડન બાદ દુબઈ અને અબુ ધાબીના પ્રવાસ પર છે. સોમવારે તેઓ દુબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ભારતીય ડાયસ્પોરા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વખતે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુબઈમાં રહેતા તમામ NRIનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી ‘ઇન્વેસ્ટ ઇન ઉત્તરાખંડ’ અભિયાન હેઠળ UAEમાં ઉદ્યોગપતિઓ અને NRIની મુલાકાત કરશે. પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડમાં રોકાણની શક્યતાઓ પર આયોજિત બેઠકોમાં પણ ભાગ લેવાના છે.
પુષ્કર સિંહે ઉત્તરાખંડવાસીઓને કરી અપીલ
પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ઉત્તરાખંડ માત્ર ભગવાનની ભૂમિ નથી પણ યોગ અને આધ્યાત્મિકતાની ભૂમિ પણ છે. ઉત્તરાખંડ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતીક છે. તેમણે કહ્યું કે અમને ગર્વ છે કે અમારા મૂળ ઉત્તરાખંડ સાથે જોડાયેલા છે. પુષ્કર સિંહે તમામ સ્થળાંતરિત ઉત્તરાખંડવાસીઓને વર્ષમાં એક વખત તો પોતાના રાજ્ય ઉત્તરાખંડની મુલાકાતે આવવા માટે અપીલ કરી હતી. આ તેમની ભાવિ પેઢીઓને તેમની માતૃભૂમિ સાથે જોડાવા માટે પણ પ્રેરિત કરશે.
પ્રવાસી ભાઈઓએ માતૃભૂમિને ગૌરવ અપાવ્યું : ઉત્તરાખંડના CM
ઉત્તરાખંડના CMએ કહ્યું કે, આપણા પ્રવાસી ભાઈઓએ પોતાની પ્રતિભા અને મહેનતથી પોતાનું અને પોતાની માતૃભૂમિને ગૌરવ અપાવ્યું છે. તે આપણા બધા માટે સન્માનની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારા અપ્રવાસી ભાઈઓ અને બહેનો અને ઉત્તરાખંડ સરકાર વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત કરવા અને તેમની રોકાણ દરખાસ્તો પર ત્વરિત પગલાં લેવા માટે, મુખ્યમંત્રી કાર્યાલયમાં ઉત્તરાખંડ ઇમિગ્રન્ટ સેલની રચના કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં એમ પણ કહ્યું કે, અત્યાર સુધીમાં 40 હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો પર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રૂપિયા 2.5 લાખ કરોડનું રોકાણ કરવાનું છે. ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં એન્ટરપ્રેનિયોર દ્વારા ઉત્તરાખંડ તરફ જે પહેલ કરવામાં આવી રહી છે. તેનાથી અમે આ લક્ષ્યને હાંસલ કરવા માટે આશા રાખીએ છીએ.
કેબિનેટ મંત્રી ધન સિંહ રાવત પણ હાજર
પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતનું માન, સન્માન અને સ્વાભિમાન વધ્યું છે. આજે વિદેશોમાં પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પનાને નક્કર આકાર આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ધન સિંહ રાવત પણ હાજર હતા.