Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

પોઇચા દુર્ઘટનામાં બચાવ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

પોઇચા દુર્ઘટનામાં બચાવ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

નાંદોદ તાલુકાના પોઇચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નિરીક્ષણ કર્યું હતું. તેઓશ્રીની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પણ જોડાયા હતા. બચાવ કાર્યના કેમ્પ સ્થળે હતભાગી પરિવારને રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટના બદલ સાંત્વના વ્યક્ત કરી હતી. તેમણે બનતી તમામ સહાય કરવા માટેની હૈયાધારણા પણ આપી હતી.

સુરતનો એક પરિવાર પોતાના સ્નેહી સંબંધીઓ સાથે પોઇચા, કરનાળીની યાત્રા કરવા માટે આવ્યો હતો. તે દરમિયાન નર્મદા નદીમાં ન્હાવા પડ્યા બાદ તેમાંની સાત વ્યક્તિ પાણીમાં ગરક થઇ ગઇ હતી. તા. ૧૪ના બપોરના સમયે બનેલી ઘટનાની જાણ થયા બાદ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સના જવાનો ઉપરાંત વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી. આ બચાવ કામગીરીમાં ૬૦ જેટલા તરવૈયાઓ અને નિષ્ણાંતો જોડાયા છે. આજ તા. ૧૫ના બપોરના ચાર વાગ્યા સુધીમાં ૨૮ કલાકથી શોધખોળ ચાલી રહી છે.

કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિત પ્રશાસનિક અધિકારીઓ રાહત અને બચાવની કામગીરી ઉપર સતત નજર રાખી રહ્યા હતા. આજે આ ઉચ્ચ અધિકારીઓએ પોઇચાની મુલાકાત લીધી હતી અને શોધખોળની જાત માહિતી મેળવી હતી. એનડીઆરએફ, આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ દ્વારા જરૂરી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. રાહત કમિશનરશ્રીની કચેરી દ્વારા પણ આ કામગીરીના સતત અપડેટ મેળવાઇ રહ્યા છે.

હતભાગી પરિવારને પોઇચા ખાતે ઉતારવામાં આવ્યા છે. તેમની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ પરિવારને રૂબરૂ મળી કલેક્ટરશ્રી તેમના દુઃખમાં સહભાગી થયા હતા અને સાંત્વના પાઠવી હતી. તેમણે આ આપત્તિની ઘડીમાં પરિવારને હરસંભવ મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી. તેમના દુઃખમાં પ્રશાસન પડખે ઉભું છે, એવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

 

 

રિપોર્ટર-શૈશવ રાવ નર્મદા

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.