વિદેશી બેંકો અને ખાનગી ક્રેડિટ ફંડ્સ ભારતીય કંપનીઓ દ્વારા એક્વિઝિશન માટે નાણાં ધિરાણમાં રસ દાખવી રહી છે . ટોરેન્ટ ગ્રૂપ અને હિંદુજા સહિત અન્ય કંપનીઓ તેમના એક્વિઝિશન માટે ઘણી વિદેશી બેન્કો અને ખાનગી ઇક્વિટી કંપનીઓનો સંપર્ક કર્યો છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, વૈશ્વિક રોકાણકારો પાસે વિશ્વભરમાં રોકાણ કરવા માટે આશરે રૂ. ૨ લાખ કરોડનું ભંડોળ છે, જેમાંથી ૧૦૦થી ૧૫૦ અબજ ડોલર ભારત માટે નિર્ધારિત છે. કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સનું કહેવું છે કે એક્વિઝિશન માટે વિદેશમાંથી મૂડી એકત્ર કરતી ભારતીય કંપનીઓ માટે ડેટને બદલે ઇક્વિટી દ્વારા આમ કરવું વધુ સારું રહેશે.
કોર્પોરેટ નાણાકીય સલાહકાર સુત્રોએ જણાવ્યું હતું કે,’જો તેમને ડેટ વિકલ્પ માટે જવું પડે તો પણ, ઇક્વિટીને પ્રાધાન્યવાળું હાઇબ્રિડ માળખું યોગ્ય રહેશે, જ્યાં વ્યાજ લગભગ ૬ થી ૮ ટકા હોઈ શકે. સામાન્ય વૈશ્વિક ધિરાણ પર આરબીઆઈ દ્વારા પ્રતિબંધોનો બોજ છે અને તેથી તે તેમના માટે અત્યંત પડકારજનક અને ખર્ચાળ પણ હશે કારણ કે ફેડના ઊંચા દરોને કારણે વિદેશી વિનિમય કવર્ડ વ્યાજ દર ૧૧-૧૨ ટકા સુધી જઈ શકે છે.’
હિંદુજા ગ્રૂપ રિલાયન્સ કેપિટલના એક્વિઝિશન માટે ૮૫૦ મિલિયન ડોલરનું દેવું પણ એકત્ર કરી રહ્યું છે. ટોરેન્ટ ગ્રુપ તેની હરીફ સિપ્લાને ખરીદવા માટે ૫ બિલિયન ડોલર એકત્ર કરવા વૈશ્વિક બેંકો સાથે વાટાઘાટ કરી રહ્યું છે. જેએસડબલ્યુ ગ્રુપ ભારતમાં એક્વિઝિશન માટે બેંકો અને ખાનગી ઇક્વિટી ફંડ્સ સાથે પણ વાતચીત કરી રહ્યું છે.
ભારતીય કંપનીઓ વૈશ્વિક મૂડી એકત્ર કરી રહી છે કારણ કે ભારતીય બેંકોને તેઓ જે એક્વિઝિશન કરે છે તેને ફાઇનાન્સ કરવાની મંજૂરી નથી. બેન્કર્સોનું કહેવું છે કે આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ભારતીય બિઝનેસ હાઉસીસના ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે, પરંતુ બાકીના નાણાકીય વર્ષના આઉટલૂક વધુ સારા છે.
ભારતમાં મર્જર અને એક્વિઝિશનનું મૂલ્ય એક વર્ષ અગાઉની સરખામણીએ કેલેન્ડર વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનામાં ૬૯.૧ ટકા ઘટીને ૫૦.૮ બિલિયન ડોલર થયું છે. મર્જર-એક્વિઝિશન પ્રાઈસિંગમાં આ નબળાઈ વધતા વ્યાજ દરો અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો થવાને કારણે નોંધવામાં આવી છે.