વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો 230 કરોડના ખર્ચે ફલાઈ ઓવર બ્રિજ બનાવ્યો છે . આ ઓવરબ્રિજ નીચે પાર્કિંગ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઈજારો આપવા માંગે છે. અત્યાર સુધીમાં બે વખત પ્રયાસ કર્યો છે, પરંતુ ઇજારા માટે કોઈ આગળ આવ્યું નથી, અને હવે ત્રીજી વખત પ્રયાસ હાથ ધર્યો છે . કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે છ હિસ્સામાં પીલર વેચી દેવાયા છે અને એ મુજબ પાર્કિંગની સુવિધા ઉભી કરવા ઈજારો હરાજીથી આપવા નક્કી કર્યું છે. ઇજારદારને માસિક લાયસન્સ ફીથી એક વર્ષની મુદત માટે ઇજારો પરવડે તેમ ન હોવાથી તેઓ પાર્કિંગના ઇજારા માટે આગળ આવતા નથી તેમ જાણવા મળ્યું છે .આ બ્રિજ 10 મહિના પહેલા જ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજ નીચે 135 પિલર છે.
આ વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની ખૂબ જ સમસ્યા રહેતી હોવાથી પિલર નીચેના ભાગમાં પે એન્ડ પાર્ક ની સુવિધા શરૂ કરવા કોર્પોરેશને વિચાર્યું છે .135 માંથી 38 પિલર નીચેના ભાગમાં પાર્કિંગ રાખવામાં આવશે .જેમાં પિલર નંબર 12 થી 19 મનીષા ચોકડી ,પિલર નંબર 32 થી 37 હનુમાનજી મંદિર પાસે, પિલર નંબર 49 થી 52 મલ્હાર, પિલર નંબર 60 થી 65 ચકલી સર્કલ અને પિલર નંબર 87 થી 93 આંબેડકર સર્કલ ખાતે અને પીલર નંબર 129 થી 135 ગેંડા સર્કલ ખાતે આ સુવિધા ઉભી કરાશે. પિલરના દરેક વિભાગ મુજબ ડિપોઝિટ ની જુદી જુદી રકમ અને અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે. ઇજારદારોને જરૂરી પુરાવા અને ડિપોઝિટ સાથે તારીખ 26 ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશનની જમીન મિલકત અમલદારની ઓફિસમાં અરજી પત્રકો મોકલી આપવા જણાવ્યું છે.