મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક અનોખી અને વિવાદાસ્પદ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. અહીં અનિક ગામની હિંદુ સ્મશાન ભૂમિમાં આવેલ કાલી માતાના મંદિરમાં 22 નવેમ્બરના રોજ કાલી માતાની મૂર્તિને ખ્રિસ્તી પંથની મધર મેરી જેવા રૂપમાં સજાવી દેવામાં આવી હતી. મૂર્તિનું મુખ સફેદ રંગથી રંગીને, તેને સફેદ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા તેમજ સોનેરી મુગટ, મોટા ક્રોસનું ચિહ્ન, ફેરી લાઇટ્સ અને ટિન્સલથી શણગાર કરવામાં આવ્યો હતો. મૂર્તિના એક હાથમાં બાળકની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી, જેને ‘બેબી જીસસ’ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 23 નવેમ્બરના રોજ ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચ્યા, ત્યારે તેમના સામે આ બદલાયેલું દૃશ્ય આવ્યું, જેને લઈને ભારે રોષ ફેલાયો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિંદુ સંગઠનો અને સ્થાનિકોમાં ભારે વિરોધ ઊભો થયો હતો અને કાલી માતાનું અપમાન કરનાર સામે કડક પગલાંની માંગ ઉઠી હતી.
ફરિયાદ બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મંદિરના પૂજારીને ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછમાં પૂજારીએ દાવો કર્યો કે “મને સ્વપ્નમાં કાળી માતા પ્રગટ થઈ અને એમણે આ રીતે સજાવટ કરવાની આજ્ઞા આપી.” જોકે પોલીસે આ અવિશ્વસનીય દાવાને નકારી કાઢ્યો હતો અને પૂજારી સામે BNSની કલમ 299 હેઠળ કેસ નોંધ્યો—જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને પૂજાસ્થળને નુકસાન પહોંચાડવા સંબંધિત છે. ત્યારબાદ પૂજારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને બે દિવસની પોલીસ કસ્ટડી મળેલી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળ કોઈ મોટી સજિશ હતી કે નહીં અને પૂજારીને કોઈએ પ્રેરિત અથવા દબાણ કરીને આ કામ કરાવ્યું હતું કે કેમ. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદ સહિત અનેક હિંદુ સંગઠનો પૂજારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અને આ ઘટનાને હિંદુ ધાર્મિક લાગણીઓ પર ગંભીર પ્રહાર તરીકે જોઈ રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel