ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારાની પ્રક્રિયા સરળ બનાવવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બરના રોજ મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. આ નવા નિયમો ખાસ કરીને છૂટાછેડા લીધેલા માતા-પિતા, સિંગલ પેરેન્ટ્સ, અટક બદલવા માંગતા અરજદારો અને નામના ક્રમમાં ફેરફાર ઇચ્છતા લોકો માટે મોટી રાહતરૂપ છે.
સૌથી પહેલા, છૂટાછેડાના કેસોમાં, જો કોર્ટના આદેશથી બાળકની કસ્ટડી માતાને અપાયેલી હોય, તો બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક દાખલ કરી શકાશે. આથી છૂટાછેડા લીધેલા દંપતીના બાળકોને લઈ થતા દસ્તાવેજી પ્રશ્નો હવે સરળતાથી ઉકેલી શકાશે. જો કે, સરકારએ સ્પષ્ટ કર્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં પિતાનું નામ ફરજિયાત છે, એટલે કે ‘પિતાનું નામ’ કોલમમાંથી જૈવિક પિતાનું નામ દૂર કરી શકાશે નહીં. તે યથાવત્ જ રહેશે.
એક વધુ મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે માતા અને પિતા બંને બાળક સાથે રહેતા હોય, અને તેઓ ઇચ્છે, તો પણ બાળકના નામની પાછળ પિતાના બદલે માતાનું નામ અને અટક દાખલ કરી શકાય. ઉપરાંત અરજદાર ઇચ્છે તો મિડલ નેમ (પિતાનું નામ) અને અટક (લાસ્ટ નેમ) દાખલામાંથી કાઢી નાખી શકાય છે, એટલે કે દાખલામાં માત્ર ‘બાળકનું નામ’ લખાવવું હવે માન્ય રહેશે.
નવા નિયમો અનુસાર, હવે નામનો ક્રમ પણ બદલાવી શકાય છે — જેમ કે પ્રથમ અટક, પછી બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ. આ પ્રસ્તુતિનો ફોર્મેટ હવે સત્તાવાર રીતે માન્ય ગણાશે. જો પિતા અને પુત્રની અટક જુદી રાખવી હોય, તો સરકારના ગેઝેટ અને પૂરાવાને આધારે એ પણ મંજૂર કરવામાં આવશે.
મરણના દાખલાઓ માટે પણ રાહત આપતી જાહેરાત કરવામાં આવી છે. હવે મરનારના નામ પાછળ પિતા અથવા પતિનું નામ અને અટક લખાવવું વૈકલ્પિક રાખવામાં આવ્યું છે, જેથી પરિવારજનો પોતાની સગવડ અનુસાર નામ રજૂ કરી શકે.
એક મહત્વપૂર્ણ બદલાવ એ છે કે અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ-મરણની નોંધમાં માત્ર એક જ વાર સુધારો શક્ય હતો, જ્યારે હવે એકથી વધુ વાર સુધારો કરી શકાય છે — પરંતુ યોગ્ય આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે.
રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ નવા નિયમો અને એડવાઈઝરીનો તાત્કાલિક અમલ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી નાગરિકોને જન્મ-મરણના દાખલામાં નામ સુધારા સંબંધિત સમસ્યાઓમાંથી ઝડપથી અને સરળતાથી રાહત મળી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel