વાલોડ ગામની અંદર આવેલ વાલ્મીકિ નગરમાં સીસી રસ્તા બન્યાને હજી માંડ માંડ બે માસ થયા હશે ત્યાં આ રસ્તો તૂટી ને એમાંથી લોખંડ ના સળીયા બહાર દેખાવા લાગ્યા છે. આમ આ રસ્તા ની યોગ્ય કામગીરી ન થઈ હોય અને એમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને લોકો માં રોષ જોવા મળી રહ્યો છે.
વાલોડ નગરમાં 15માં નાણાંપંચ અંતર્ગત વિકાસના કામો ઠેર ઠેર ચાલી રહ્યા છે. વાલોડ ખાતે આવેલ વાલ્મીકિ નગરમાં જતા માર્ગ અગાઉ ડામર રોડ હતો અને ગુજરાત ગેસની લાઈન,ગટર અને વરસાદી લાઈન બનાવવામાં આવ્યા બાદ માર્ગ સંપૂર્ણ તૂટી ગયો હતો. ત્યાર બાદ પંચાયત દ્વારા નવો માર્ગ બનશે તે માટે સ્થાનિકોમાં રાહ જોવાઇ રહી હતી.
આ માર્ગ બનાવવા માટે 14 માં નાણાપંચ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રોડ બનાવવાની કામગીરીની શરૂઆત થતા વાલ્મીકિ નગરના સ્થાનિકોમાં સીસી રોડ બનતા હાશકારો અનુભવ્યો હતો અને ચોમાસાની ઋતુમાં કાદવ કીચડ ની પડતી પારાવાર મુશ્કેલીઓનો અંત આવતા હાશકારો અનુભવ્યો હતો. આ રસ્તા ઉપરથી મોટેભાગે ટુ વ્હીલર વાહનોમાં ધરાવતા લોકો જ રહે છે જેથી મોટા અને ભારે વાહનોની અવર જવર ન હોવા છતાં આ નવો બનાવેલો સીસી રોડ માત્ર ને માત્ર બે માસની અંદરના ટૂંકા ગાળામાં જ તૂટવાની શરૂઆત થઇ ગઈ છે. સીસી રોડ તૂટી જવાથી અંદરના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા જેથી કોન્ટ્રાક્ટરની કામગીરી સામે આ સીસી રોડ વર્ક ઓડર્ર મુજબ, યોગ્ય પુરાણ, બીએસજી મેટલ તથા યોગ્ય કંપનીની સીમેન્ટ થી કામગીરી કરવામાં આવી હતી કે કેમ તે એક પ્રશ્ન છે? આમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોઈ એવી પણ શંકાઓ સેવાય રહી છે. જો યોગ્ય રીતે રોડ બનાવવામાં આવ્યો હતે તો બે માસની અંદર રોડ તૂટી નહી જતે. માલ સામાન લઈ માર્ગ બનાવ્યો હોય તો તૂટવાની શરૂઆત થઇ ન હોત.
આ રોડની કામગીરી માટે અઘિકારીઓ દ્વારા યોગ્ય નિરીક્ષણ તથા દેખરેખ રાખવામાં ન આવી હોઈ એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. પરંતુ નિરીક્ષણ કરનારા અધિકારીઓ પોતાની ઓફિસ છોડી બહાર ન નીકળી કામગીરી ઇજારદારને ભરોસે કરવામાં આવતા સીસી રોડ માત્ર બે માસના ટૂંકા ગાળામાં જ તુટવાની શરૂઆત થઇ છે. આમ ગામના ઘણા રોડોમાં અગાઉ પણ ભ્રષ્ટાચાર થયો હોવાના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેમ છતાં અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી એવું લાગી રહ્યું છે. અને કોન્ટ્રાક્ટરો રોડના કામોમાં વેઠ ઉતારી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.