સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ લગભગ ₹80,000 કરોડના સંરક્ષણ ખરીદી અને અપગ્રેડ પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. આ મંજૂરીઓ હેઠળ જુના હથિયારોના મિડ-લાઇફ અપગ્રેડ, નવા આધુનિક હથિયારોની ખરીદી તેમજ સ્વદેશી ટેકનોલોજીના વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
DAC દ્વારા આશરે 200 ટી-90 ભીષ્મ ટેન્કોના સ્વદેશી ઓવરહોલ અને અપગ્રેડને લીલી ઝંડી આપવામાં આવી છે, જેના કારણે ટેન્કોની સેવા આયુષ્ય વધશે અને લડાકુ ક્ષમતામાં વધારો થશે. સાથે સાથે, MI-17 મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટરોના મિડ-લાઇફ અપગ્રેડથી તેમની વિશ્વસનીયતા અને ઓપરેશનલ તૈયારી વધુ મજબૂત બનશે. આધુનિક યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોઇટરિંગ મ્યુનિશન (સુસાઇડ ડ્રોન)ની ખરીદી મંજૂર કરાઈ છે, જે દુશ્મનના ટાર્ગેટ પર સચોટ હુમલા કરી શકે છે.
ભારતીય નૌકાદળ અને વાયુસેના માટે MRSAM મિસાઈલની ખરીદીથી હવાઈ અને દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે, જ્યારે વાયુસેના માટે Astra માર્ક-2 એર-ટુ-એર મિસાઈલના વિકાસ અને ખરીદી સાથે કેટલીક મીટિયોર મિસાઈલ મેળવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ઇઝરાયલથી સ્પાઈસ-1000 ગાઇડેડ બોમ્બની ખરીદી પર ચર્ચા કરવામાં આવી છે, જે ઉચ્ચ સચોટતાવાળા હુમલાઓ માટે જાણીતા છે.
સ્વદેશી શક્તિ વધારવાના દિશામાં 120 કિમી રેન્જવાળી નવી પિનાકા રોકેટના વિકાસને મંજૂરી મળી છે, જે હાલના પિનાકા લોન્ચરથી જ લોન્ચ કરી શકાશે. લાંબા સમય સુધી હવાઈ ઓપરેશન શક્ય બનાવવા માટે એર-ટુ-એર રિફ્યુલર અને AWACS માટેના RFPમાં ફેરફારને પણ મંજૂરી આપવામાં આવી છે. સાથે જ, અમેરિકા પાસેથી MQ-9B સી ગાર્ડિયન ડ્રોનને ત્રણ વર્ષ માટે લીઝ પર લેવાનો નિર્ણય ઝડપથી અમલમાં મૂકવામાં આવશે, જ્યારે ભારત પહેલેથી જ 31 ડ્રોન ખરીદવાની ડીલ કરી ચૂક્યું છે, જેની ડિલિવરી 2028થી શરૂ થશે.
DACની બેઠકમાં ત્રણેય સેનાઓના પ્રમુખો અને સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તમામ પ્રસ્તાવો સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની મંજૂરી બાદ અમલમાં આવશે, જે ભારતની સરહદી સુરક્ષા અને વ્યૂહાત્મક તાકાતને નવી ઊંચાઈ આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel