જો તમે એવું માનતા હશો કે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાને કારણે વેચાણ ઘટ્યું હશે તો આ આંકડા અચૂક વાંચજો. 2019માં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 35,220 રૂપિયા હતો. જે હવે 72 હજાર કરતા પણ વધારે છે. તેમછતાં 2019ની તુલનામાં માર્ચ 2024માં ઘરેલુ સોનાનો ભંડાર 292 મેટ્રિક ટનથી વધીને 408 મેટ્રિક ટન (40 ટકાનો વધારો) થઈ ગયું છે. આ દરમિયાન દેશનો સોનાનો કુલ ભંડાર 612 મેટ્રિક ટનથી વધીને 822 મેટ્રિક ટન થઈ ગયો છે.
આરબીઆઇના લેટેસ્ટ રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. વિદેશી મુદ્રા ભંડારમાં પણ સોનાનો હિસ્સો સપ્ટેમ્બર 23ના 7.37 ટકાથી વધીને માર્ચ 24માં 8.15 ટકા થયો છે. આ વર્ષે સોનંુ અત્યાર સુધી આશરે 13 ટકાનું રિટર્ન આપી ચૂક્યું છે. જ્યારે ચાંદીમાં 11 ટકાનું રિટર્ન મળ્યું છે. ગૉલ્ડમેન સાક્સના અનુસાર 12 મહિનામાં સોનાના ભાવ 6 ટકાથી વધુ વધ્યા છે.
સોનામાં રિટર્ન એક વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષમાં સેન્સેક્સ કરતા વધારે રહ્યું છે. બુલિયન એનાલિસ્ટોના મતે ગુજરાતમાં ભલે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 22 ટન સોનું આવ્યું હોય પરંતુ સરેરાશ 28.30 ટનથી વધુ સોનાનું વેચાણ થયું છે. સલામત સાથે શ્રેષ્ઠ રિટર્ન આપવામાં સોનું હંમેશાં ફળદાયી પુરવાર થયું છે.
આ કારણોસર સોનાના ભાવ વધે છે
- યુદ્ધ: રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હમાસ અને ઇઝરાયલ-ઇરાન વચ્ચે તણાવથી ચિંતામાં વધારો.
- મુદ્રા નીતિ: અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં ઘટાડાની અપેક્ષાની અસર.
- મોટી ખરીદી: દુનિયાભરની કેન્દ્રીય બેન્કો મોટાપાયે સોનુ ખરીદી રહી છે. તેના કારણે ભાવ વધ્યા.