અમેરિકાના પૂર્વ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર (એન.એસ.એ.) જોન બોલ્ટને નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા કહેતાં જણાવ્યું હતું કે, ‘વાસ્તવમાં ભારત અને અમેરિકા માટે ચીન એક પડકાર રૂપ છે. પત્રકારોને કરેલા સંબોધનમાં બોલ્ટને કહ્યું, વ્યાપાર સંબંધ એવી બાબત છે કે, જે અંગે બંને નેતાઓ વચ્ચે ચર્ચા તો થશે જ. વળી ઘણી બધી કંપનીઓ હવે ચીનનો વિકલ્પ શોધી રહી છે.
બોલ્ટને વધુમાં કહ્યું હતું કે, ‘ભારતના એક નેતા તરીકે તેઓ (નરેન્દ્ર મોદી) નિશ્ચિત રીતે એક વૈશ્વિક નેતા છે. દરેક વિષયો ઉપર તેઓની મજબૂત પકડ છે. ભારતનો પ્રભાવ માત્ર વ્યાપાર ક્ષેત્રે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બાબતોમાં તે આર્થિક પક્ષથી પણ વધુ વ્યાપ્ત બની રહ્યો છે.
તેઓએ કહ્યું : અમેરિકી અને અન્ય વિદેશી કંપનીઓ માટે પણ ભારત એક વિકલ્પરૂપે બહાર આવ્યું છે. જાપાનીઝ અને અમેરિકી કંપનીઓ માટે ભારત એક આકર્ષક વિકલ્પરૂપે બહાર આવ્યું છે.
તેમણે કહ્યું ભારતમાં અંગ્રેજી જાણનારા અને બોલનારા લાખ્ખો લોકો છે. તેથી ભારત માટે ઘણી સારી તકો ઉપસ્થિત છે. આથી ભારત અને અમેરિકા વચ્ચે આપસી સહકાર સરળ બન્યો છે. તેથી બંને દેશોને સારો એવો લાભ મળે છે.
ચીન વિષે બોલતાં તેમણે કહ્યું કે તે પોતાની વર્ચસ્વવાદી આકાંક્ષાઓ સાથે પ્રશાંત અને ભારતીય સીમાઓના દેશોને ડરાવવાની કોશીશ કરે છે. મને લાગે છે કે ભારત અને અમેરિકા માટે આ એક બહુ મોટો પડકાર છે. તેથી માત્ર એશિયામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં અમેરિકા અને તેના મિત્ર દેશો માટે તે એક પડકારરૂપ બન્યું છે.