ગુજરાત સરકારે રાજ્યના મુખ્ય શહેરો પર વધતા વસ્તી અને ટ્રાફિકના ભારણને ઘટાડવા તેમજ પ્રદેશીય વિકાસને વેગ આપવા માટે પાંચ નવા સેટેલાઈટ ટાઉન વિકસાવવાની યોજના પર ઝડપ વધારી છે. 2026-27ના રાજ્ય બજેટમાં આ શહેરોના વિકાસ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે શહેરી આયોજનમાં મોટો ફેરફાર જોવા મળશે.
નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું કે અમદાવાદ નજીક સાણંદ, ગાંધીનગર નજીક કલોલ, વડોદરા નજીક સાવલી, સુરત નજીક બારડોલી અને રાજકોટ નજીક હીરાસરને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે. આ નવા શહેરોનો મુખ્ય હેતુ મુખ્ય શહેરોની વસ્તીનો દબાણ ઘટાડવો, ઉદ્યોગ અને આવાસ માટે વિકલ્પ ઊભો કરવો તેમજ રોજગારીની નવી તકો સર્જવી છે.
સરકારે જણાવ્યું છે કે આ તમામ સેટેલાઈટ ટાઉનને આધુનિક ‘રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) દ્વારા મોટા શહેરો સાથે સીધા જોડવામાં આવશે. ઝડપી અને સુવિધાજનક જાહેર પરિવહન સુવિધા દ્વારા રોજિંદા મુસાફરી સરળ બનશે અને ઉદ્યોગ, વેપાર તેમજ રહેણાંક વિકાસને પ્રોત્સાહન મળશે. RRTS દ્વારા શહેરો વચ્ચેનો સમય ઘટશે અને પ્રદેશીય સંતુલિત વિકાસને મજબૂતી મળશે.
આ ઉપરાંત શહેરી ગતિશીલતા સુધારવા માટે સરકાર દ્વારા સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવશે. શહેરો અને નગરપાલિકાઓમાં ₹100 કરોડના ખર્ચે આધુનિક પાર્કિંગ સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેના કારણે ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો થશે અને નાગરિકોને સુવિધા મળશે.
શહેર વિકાસને વધુ વેગ આપવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની જોગવાઈઓમાં 17%નો વધારો કરીને ₹16,116 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું અને શહેરોમાં ગુણવત્તાયુક્ત જીવનશૈલી સુનિશ્ચિત કરવી સરકારનું મુખ્ય લક્ષ્ય છે.
વિશેષજ્ઞોના મતે, આ યોજનાઓના અમલીકરણથી ગુજરાતમાં સંતુલિત શહેરી વિકાસ, રોકાણમાં વધારો અને રોજગારી સર્જનને મોટો પ્રોત્સાહન મળશે. આગામી સમયમાં આ સેટેલાઈટ ટાઉન રાજ્યના વિકાસના નવા કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel