ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોને મજબૂત સહારો આપવાના સંકલ્પ સાથે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે મોટા પાયે ફાળવણી કરવામાં આવી છે. સિંચાઈ સુવિધાઓના વિસ્તરણ, આધુનિક ખેતી, ગૌવંશ સંરક્ષણ અને મત્સ્યોદ્યોગના વિકાસ પર ખાસ ભાર મૂકાયો છે.
ખેડૂતો માટે આર્થિક કવચ અને ટેકાના ભાવ
સરકારે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ₹11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેનો લાભ રાજ્યના આશરે 33 લાખ ખેડૂતોને મળશે. મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ₹18,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
ખેડૂતોને સસ્તું ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) વ્યાજ સહાય પેટે ₹1539 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સમયસર ચુકવણી કરનાર ખેડૂતોને ₹3 લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક લોન આપવાની જોગવાઈ પણ બજેટમાં સામેલ છે.
સિંચાઈ વિકાસ: નર્મદાનું પાણી છેવાડાના ખેતર સુધી
રાજ્યમાં જળ સંસાધન અને સિંચાઈ સુવિધાઓ માટે કુલ ₹3043 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- કચ્છ માટે ₹1333 કરોડ
- ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ પાઇપલાઇન માટે ₹1237 કરોડ
- સૌરાષ્ટ્રમાં SAUNI યોજનાના કામ માટે ₹473 કરોડ
- અમદાવાદના અંતરિયાળ ગામો માટે નળકાંઠા વિસ્તારમાં ₹958 કરોડ
આ પગલાં દ્વારા ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધારવાનો સરકારનો પ્રયાસ છે.
ગૌસેવા અને પશુપાલન માટે નવી યોજનાઓ
ગૌવંશ સંરક્ષણ માટે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” હેઠળ ₹500 કરોડ ફાળવવામાં આવ્યા છે. પશુપાલકોની આવક વધારવા રાજ્યના ચાર ઝોનમાં સહકારી મંડળીઓ મારફતે બાયો CNG પ્લાન્ટ સ્થાપવાની નવી પહેલ જાહેર કરવામાં આવી છે.
પશુ આરોગ્ય અને વિકાસ માટે વિવિધ યોજનાઓમાં પણ મોટી ફાળવણી કરવામાં આવી છે, જેમાં પશુ સારવાર, પશુ વીમા સહાય, IVF ટેકનોલોજી અને કૃત્રિમ બીજદાન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
આધુનિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પર ભાર
ખેતીમાં ટેક્નોલોજી અને મિકેનાઇઝેશન વધારવા માટે ₹1565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રેક્ટર અને હાર્વેસ્ટર ખરીદીમાં સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતીના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે ₹39 કરોડ ફાળવાયા છે.
ડાંગર, કઠોળ અને તેલીબિયાં પાકો માટે છ નવા સેન્ટર ઑફ એક્સલન્સ ઉભા કરાશે, જે સંશોધન અને ઉત્પાદનક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.
બ્લુ ઈકોનોમી અને મત્સ્યોદ્યોગ વિકાસ
ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ અને મત્સ્ય નિકાસ વધારવા માટે ₹1340 કરોડ ફાળવાયા છે. સ્ટોરેજ, પ્રોસેસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ મજબૂત બનાવાશે. માછીમારોને ડીઝલ પર વેટ રાહત સહિત અનેક સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો
- ખેડૂતોને વીજ સહાય માટે ₹9324 કરોડ
- સૂક્ષ્મ સિંચાઈ માટે ₹1250 કરોડ
- નાના ગોડાઉન માટે “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના”
- ખેડૂતો માટે અકસ્માત વીમા સુરક્ષા
- ડ્રોન ટેક્નોલોજી અને સોઈલ હેલ્થ કાર્ડ અભિયાન
- કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ માટે ₹1063 કરોડ
આ ઉપરાંત ડેરી, બકરા પાલન, મરઘા પાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે પણ અલગ-અલગ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24,022 કરોડની જોગવાઈ કરીને સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel