આદિત્ય ધરની દિગ્દર્શિત ફિલ્મ ‘ધુરંધર’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરતા રવિવારે એક નવો ઇતિહાસ રચ્યો છે. રિલીઝના માત્ર 17 દિવસમાં જ આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે અને સંદીપ રેડ્ડી વાંગાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ને દસમા સ્થાન પરથી બહાર કરી દીધી છે. બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક મુજબ, રવિવારની કમાણી સાથે ‘ધુરંધર’નું ભારતમાં નેટ કલેક્શન 555.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જ્યારે ‘એનિમલ’નું લાઈફટાઈમ ઇન્ડિયા નેટ કલેક્શન 553 કરોડ રૂપિયા હતું. આ રીતે ‘ધુરંધર’એ સીધા જ ‘એનિમલ’ને પાછળ છોડી ભારતની ટોપ-10 ઓલ ટાઈમ ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવી છે.
ભારતની ટોપ-10 ઓલ ટાઈમ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોની યાદીમાં હાલ પુષ્પા: ધ રૂલ પાર્ટ 2 (2024) 1234.1 કરોડ સાથે પ્રથમ સ્થાન પર છે, જ્યારે બાહુબલી 2: ધ કન્ક્લુઝન (2017) 1030.42 કરોડ સાથે બીજા અને KGF: ચેપ્ટર 2 (2022) 859.7 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. ત્યારબાદ RRR (2022) 782.2 કરોડ સાથે ચોથા અને કલ્કી 2898 એડી (2024) 646.31 કરોડ સાથે પાંચમા ક્રમે છે. જવાન (2023) 640.25 કરોડ સાથે છઠ્ઠા, કાંતારા: અ લેજેન્ડ ચેપ્ટર-1 (2025) 622.42 કરોડ સાથે સાતમા, છાવા (2025) 601.54 કરોડ સાથે આઠમા અને સ્ત્રી-2 (2024) 597.99 કરોડ સાથે નવમા સ્થાને છે, જ્યારે ધુરંધર (2025) 555.7 કરોડના કલેક્શન સાથે દસમા નંબર પર એન્ટ્રી કરી ચૂકી છે.
માત્ર એટલું જ નહીં, ‘ધુરંધર’ 2025ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. હાલ પ્રથમ ક્રમે કાંતારા: ચેપ્ટર 1 (622 કરોડ) અને બીજા ક્રમે છાવા (602 કરોડ) છે, જેને ‘ધુરંધર’ આવનારા અઠવાડિયામાં પાછળ છોડી દે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કુલ બોક્સ ઓફિસ આંકડાઓની વાત કરીએ તો 17 દિવસમાં ‘ધુરંધર’નું વર્લ્ડવાઈડ કલેક્શન 836.75 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે, જ્યારે ઇન્ડિયા ગ્રોસ 666.75 કરોડ નોંધાયો છે.
‘ધુરંધર’ના જબરદસ્ત શોર વચ્ચે આ જ દિવસે રિલીઝ થયેલી કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ સંપૂર્ણપણે દબાઈ ગઈ છે. આ ફિલ્મે 17 દિવસમાં ભારતમાં માત્ર 11.88 કરોડ અને વર્લ્ડવાઈડ 14.9 કરોડનું જ કલેક્શન કર્યું છે. આ તમામ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે હાલ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ રાજ ‘ધુરંધર’નો જ ચાલી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel