બાંગ્લાદેશમાં રાજકીય હિંસાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના લેબર વિંગના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને ખુલનામાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી છે. સિકંદર ખુલનાનો NCP પાર્ટીનો પ્રમુખ હોવા ઉપરાંત NCP શ્રમિક સમિતિનો મુખ્ય સંયોજક પણ છે. અહેવાલ અનુસાર, થોડા દિવસોમાં યોજાનારી પાર્ટીની એક મહત્વપૂર્ણ રેલીની તૈયારી અને વ્યવસ્થામાં વ્યસ્ત હતો, તે દરમિયાન અચાનક હુમલાખોરોએ આવીને તેના પર ગોળીબાર કર્યો. ગોળીઓ તેના માથામાં વાગી હોવાનું કહેવાય છે, જેના કારણે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના થોડા દિવસ પહેલાં થયેલી એક બીજી હાઇ-પ્રોફાઇલ હત્યાની યાદ તાજી કરાવે છે. બાંગ્લાદેશમાં કથિત યુવા નેતા શરીફ ઉસ્માન હાદીને પણ આ જ રીતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જુલાઈ 2024માં બાંગ્લાદેશમાં થયેલા આંદોલનો દરમિયાન હાદીની મહત્વની ભૂમિકા હતી. ગત 12 નવેમ્બરના રોજ તે ઢાકામાં રિક્ષામાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા બંદૂકધારીઓ બાઇક પર આવી, તેને રિક્ષામાંથી ખેંચી કાઢ્યો અને માથામાં ગોળી મારી હતી. બાદમાં તેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને 15 ડિસેમ્બરે સિંગાપોર એરલિફ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં 18 ડિસેમ્બરે તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
શરીફ ઉસ્માન હાદી ભારતવિરોધી ગતિવિધિઓ માટે કુખ્યાત માનવામાં આવતો હતો અને તે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ પણ સતત નિવેદનો આપતો રહેતો હતો. તેની હત્યા બાદ બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં ન્યાય અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. કેટલાક વિસ્તારોમાં આ પ્રદર્શનો બાદમાં હિંસક સ્વરૂપ પણ ધારણ કરી બેઠા હતા. હવે મોહમ્મદ મોતાલેબ સિકંદર પર થયેલા હુમલાએ બાંગ્લાદેશમાં વધતી રાજકીય અસ્થિરતા અને નેતાઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel