આમ છતા યુક્રેન અને નાટો દેશોના સબંધો તંગ હોવાનુ દેખાઈ રહ્યુ છે. બ્રિટનના સંરક્ષણ મંત્રીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પર નિશાન સાધીને કહ્યુ છે કે, તેમણે થોડુ તો અમારુ અહેસાન માનવુ જોઈએ.
નાટો દેશોના સંમેલન દરમિયાન યુક્રેન પર ભડકેલા બ્રિટિશ સંરક્ષણ મંત્રી વેન વોલેસે કહ્યુ હતુ કે, અમે કોઈ શોપિંગ સાઈટ નથી. અમને બસ યુક્રેન હથિયારોનુ લિસ્ટ પકડાવીને કહી દે છે કે, આ હથિયારો પૂરા પાડો. તેમણે થોડુ તો અહેસાન માનવુ જોઈએ.
તેના પર યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કટાક્ષમાં કહ્યુ હતુ કે, બ્રિટનના સંરક્ષણ મંત્રી મને કહી દે કે આભાર કેવી રીતે માનવો છે. . . હું સવારે ઉઠીને તેમને થેન્ક્યૂ કહી દઈશ.
બુધવારે યોજાયેલા નાટોના સંમેલનમાં પણ યુક્રેનને સભ્ય બનાવવા અંગેનો કોઈ વલણ સ્પષ્ટ થયુ નહોતુ. જેલેન્સ્કીએ નાટો દેશોનો હથિયારો પૂરા પાડવા માટે આભાર માન્યો હતો પણ યુક્રેનને નાટોનુ સભ્ય નહીં બનાવવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, યુક્રેનને જેટલી જરુર નાટોની છે તેટલી જ નાટોને પણ યુક્રેનની જરુર છે.
અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને કહ્યુ હતુ કે, યુક્રેનને ભવિષ્યામાં પણ નાટોનો સહકાર મળતો રહેશે. અમેરિકા યુક્રેનને સક્ષમ સૈન્ય તાકાત બનાવવા માટે મદદ કરી રહ્યુ છે.